નવી દિલ્હી: વડાપ્રધાનના અધ્યક્ષપદે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં વરસાદ અને પૂરની હાલત અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને વ્યાપક નુકસાન નોંધાયું છે. બીજી તરફ દેશના કેટલાક વિસ્તારોમાં હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે.
બેઠક દરમિયાન અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા રાજ્યો માટે અલગ-અલગ વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના નિર્દેશ અનુસાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ હાલમાં ઉત્તરપૂર્વના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે.
બંને મંત્રીઓએ અરુણાચલ પ્રદેશમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારે વરસાદ અને પૂરના કારણે અનેક મકાનો, રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવનને ઝડપથી પૂર્વવત બનાવવા માટે પુનઃસ્થાપન કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ જુલાઈ મહિના દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના છે. જોકે આગામી દિવસોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ આ વર્ષે જુલાઈ મહિનો સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.













Leave a Reply