સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. માંડવી તાલુકાના કાટકુવા ગામે રખડતા શ્વાનોના આતંકની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાંચ જેટલા ખૂંખાર શ્વાનોએ એકલવાયી વૃદ્ધાને નિશાન બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.શિકારના ઇરાદે વૃદ્ધાને ઘેરી લીધા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માંડવીના કાટકુવા ગામે રહેતા 60 વર્ષીય ગેનુંબેન પોતાના નિત્યક્રમ મુજબ ગામના જંગલ વિસ્તાર પાસેથી ખેતરે જવા પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં અચાનક 5 જેટલા રખડતા શ્વાનોનું ટોળું તેમના પર તૂટી પડ્યું હતું. શ્વાનોએ જાણે શિકારના ઈરાદે જ હુમલો કર્યો હોય તેમ વૃદ્ધાને ઘેરી લઈને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું.
પાંચ-પાંચ કૂતરાઓએ એકસાથે હુમલો કરતા વૃદ્ધા ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે બૂમરાડ મચાવી હતી. સદનસીબે નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવકનું ધ્યાન આ ઘટના પર જતાં તે તાત્કાલિક મદદે દોડી આવ્યો હતો. યુવકે સમયસૂચકતા વાપરીને શ્વાનોને ભગાડી દેતા વૃદ્ધાનો જીવ બચ્યો હતો. જો આ યુવક સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની શકી હોત.
શ્વાનોના આ હુમલામાં ગેનુંબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કાટકુવા સહિત આસપાસના ગામોમાં નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા તંત્ર પાસે રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ ઉઠી છે.













Leave a Reply