પોલીસમાં જોડાઈ દેશસેવાનું સ્વપ્ન લઈને આવેલા છોટાઉદેપુર જિલ્લાના વધુ એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5ના મેદાનમાં વહેલી સવારે યોજાયેલી દોડ દરમિયાન 27 વર્ષીય યુવકનું શ્વાસ ચડવાથી કરુણ મોત નિપજ્યું હતું. હૃદયદ્રાવક વાત એ છે કે આ સમગ્ર ઘટના તેની આંખ સામે જ બની, જ્યાં તેના પિતા દીકરાને પ્રોત્સાહન આપવા માટે હાજર હતા.
મૃતક યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે પોલીસ ભરતી અંતર્ગત યોજાયેલી રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડવાથી જમીન પર ઢળી પડ્યો હતો.
દીકરાને મેદાન પર પડતો જોઈ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્ટાફ અને અન્ય ઉમેદવારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને જશપાલસિંહને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતાની આંખો સામે જ પુત્રનું મોત થતાં તેઓ ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં ગોધરા એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચમાં પણ પોલીસ ભરતી દરમિયાન દોડતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આવી વારંવાર બનતી ઘટનાઓને કારણે પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની તબીબી તપાસ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.














Leave a Reply