ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી માટે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરતા દેશના રાજકીય માહોલમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે. આ ચૂંટણી એપ્રિલ 2026માં કાર્યકાળ પૂર્ણ કરી રહેલા સભ્યોની ખાલી થનારી બેઠકો ભરવા માટે યોજાઈ રહી છે. કુલ 10 રાજ્યોની 37 બેઠકો માટે મતદાન યોજાશે. તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ જેવા રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યોનો સમાવેશ થાય છે.
સમયપત્રક જાહેર
ચૂંટણી કાર્યક્રમ મુજબ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેરનામું બહાર પડશે. ત્યારબાદ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા, દસ્તાવેજોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. તમામ 37 બેઠકો માટે 16 માર્ચ, 2026ના રોજ સવારે મતદાન થશે અને એ જ દિવસે મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરાશે.
અન્ય રાજ્યોમાં પણ ટક્કર
આ ચૂંટણી ઓડિશા, છત્તીસગઢ, હરિયાણા, તેલંગાણા અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ યોજાશે. ચૂંટણીની જાહેરાત થતાં જ વિવિધ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી અને રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે.
રાજ્યસભાની સંખ્યાબળની સમીકરણોને ધ્યાનમાં લેતા આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં રાજકીય ચર્ચાઓ, ગઠબંધનો અને આંતરિક બેઠકોનો દોર તેજ થવાની શક્યતા છે.














Leave a Reply