હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં સ્થિત ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી એક એવા કેદારનાથ ધામના કપાટ આજે, 22 એપ્રિલ બુધવારે સવારે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખુલ્યા છે. શિયાળાની છ મહિનાની વિરામ બાદ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે મંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર કેદારપુરી ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના ગુંજતા નાદોથી પ્રફુલ્લિત બની ગઈ છે.
આ વર્ષે કેદારનાથ યાત્રા ગત વર્ષની સરખામણીએ લગભગ 10 દિવસ વહેલી શરૂ થઈ છે, જેના કારણે ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને મંદિરને અંદાજે 51 ક્વિન્ટલ દેશી અને વિદેશી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
કપાટ ખુલતા પહેલાં પરંપરાગત રીતે બાબા કેદારની પંચમુખી ડોલી ઓંકારેશ્વર મંદિરથી વિધિવત રીતે કેદારનાથ તરફ રવાના થઈ હતી. ડોલીએ ગુપ્તકાશી, ફાટા અને ગૌરીકુંડમાં વિરામ કર્યા બાદ ધામમાં આગમન કર્યું. આ દરમિયાન સેનાની 8મી શીખ રેજિમેન્ટના બેન્ડની ધૂન અને હજારો ભક્તોની હાજરીમાં ડોલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ડોલી યાત્રા હિમાલયની સદીઓ જૂની પરંપરાનું પ્રતિબિંબ છે, જેમાં શિયાળામાં ભગવાન કેદાર ઉખીમઠમાં નિવાસ કરે છે અને ઉનાળામાં ફરી ધામ પરત આવે છે.
યાત્રા દરમિયાન શિસ્ત અને મંદિરની પવિત્રતા જાળવવા માટે તંત્ર દ્વારા કેટલાક નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે, તેમજ ફોટોગ્રાફી, વીડિયો કે સોશિયલ મીડિયા રીલ્સ બનાવવાની મનાઈ છે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલે ખુલશે, જ્યારે ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના દ્વાર 19 એપ્રિલથી જ ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. આ સાથે ઉત્તરાખંડની ચારધામ યાત્રા હવે સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે.















Leave a Reply