તમિલનાડુના વિરુધુનગર જિલ્લો માં આવેલા એક ફટાકડા બનાવતા કારખાનામાં થયેલા જોરદાર વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૩ લોકોનાં મોત થયાની માહિતી મળી છે, જ્યારે કેટલાક લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હોવાનું માનવામાં આવે છે, જેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, રવિવારે સામાન્ય રીતે ફેક્ટરી બંધ હોવા છતાં આજે નિયમોના ભંગ સાથે કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ મામલે જવાબદારોને ઝડપી પાડવા માટે ચાર ખાસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને કેસની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નિયમોનો ભંગ કરી ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. વિસ્ફોટના સાચા કારણો જાણવા માટે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલા ફટાકડાના યુનિટમાં બની હતી, જ્યાં આગ ઝડપથી ફેલાઈને ચાર યુનિટ સુધી પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પોલીસ અને બચાવ ટીમો સતત કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. સમગ્ર વિસ્તારને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો છે. આ વિસ્ફોટ મુથુમાનિકમની માલિકીની વનજા ફટાકડા ફેક્ટરીમાં થયો હોવાનું જાણવા મળ્યું છે, જે વાચકારાપટ્ટી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.















Leave a Reply