ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને 16 એપ્રિલ 2026થી અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. સપ્ટેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર થયેલા 106મા બંધારણીય સુધારા મુજબ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
તાત્કાલિક લાભ કેમ નહીં મળે?
કાયદો અમલમાં આવ્યો હોવા છતાં હાલની લોકસભામાં મહિલાઓને તેનો સીધો લાભ તરત મળશે નહીં. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ અનામત આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારી સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ પડશે. હાલ સંસદમાં ચાલી રહેલી ચર્ચાઓનો મુખ્ય ઉદ્દેશ્ય આ જોગવાઈને 2029ની લોકસભા ચૂંટણીથી અમલમાં લાવવાનો છે. 16 એપ્રિલથી અમલીકરણ પાછળ સરકારે માત્ર “તકનીકી કારણો” દર્શાવ્યા છે.
સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચે તીવ્ર ચર્ચા
આ મુદ્દે સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે.
વડાપ્રધાનનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને સંબોધતા કહ્યું કે આ મુદ્દાને રાજકીય દૃષ્ટિકોણથી નહીં પરંતુ દેશના વિકાસ માટે મળીને આગળ વધવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની મહિલાઓ સરકારની નીતિ સાથે તેની નિષ્ઠા પણ પરખી રહી છે.
પ્રિયંકા ગાંધીની ટીકા
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સીમાંકન અને વસ્તી ગણતરીના બહાને આ કાયદાને લંબાવવામાં આવી રહ્યો છે, જે રાજકીય હેતુઓ તરફ સંકેત કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ મહિલાઓ માટે અનામતનું સમર્થન કરે છે, પરંતુ સરકારની પ્રક્રિયા અંગે શંકા છે.
સરકારનો જવાબ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર દ્વારા તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી છે અને મલ્લિકાર્જુન ખડગેને ત્રણ વખત પત્ર લખવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે આ મુદ્દે સાંજે 4 વાગ્યે મતદાન યોજાશે અને સરકારનો હેતુ શ્રેય લેવાનો નહીં, પરંતુ મહિલાઓને તેમનો અધિકાર આપવાનો છે.












Leave a Reply