લોકસભામાં રાહુલ ગાંધી અને કિરેન રિજિજૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી, હોબાળાને પગલે કાર્યવાહી 2:30 વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બુધવારે લોકસભામાં ‘એન્ટી પેપર લીક બિલ’ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ગૃહમાં અશાંતિ સર્જાઈ હતી. વિપક્ષી સાંસદોના સતત સૂત્રોચ્ચાર અને વિરોધને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પેપર લીક મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પરીક્ષા વ્યવસ્થામાં ખામીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે શિક્ષણ વ્યવસ્થામાં ખાનગીકરણ અને પરીક્ષા પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીના કેટલાક નિવેદનો સામે સત્તા પક્ષે વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ વિરોધ કરતા કહ્યું કે સંસદમાં સંસદીય મર્યાદા જાળવવી જરૂરી છે અને ગંભીર આરોપો પુરાવા સાથે મૂકવા જોઈએ. તેમણે રાહુલ ગાંધી પાસે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા અને માફીની માંગ કરી હતી.
આ દરમિયાન રાહુલ ગાંધી અને રિજિજૂ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષી સાંસદોએ ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા, જ્યારે સત્તા પક્ષના સભ્યોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ બંને પક્ષોને ગૃહની મર્યાદા જાળવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે સંસદમાં બોલાયેલા દરેક શબ્દનો રેકોર્ડ રહે છે.
હંગામો વધતા સ્પીકરે લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.
આ પહેલા ‘એન્ટી પેપર લીક બિલ’ પર ચર્ચાની શરૂઆત જેડીયુ સાંસદ દિલેશ્વર કામતે કરી હતી. તેમણે બિલને સમર્થન આપતા કહ્યું હતું કે આ પગલું દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે. બીજી તરફ વિપક્ષે પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.