મહારાષ્ટ્રના ભિવંડીમાં 4 માળની ઇમારત ધરાશાયી, 6 લોકોના મોત; અનેક લોકો કાટમાળ નીચે હોવાની આશંકા

મુંબઈ નજીક મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ‘કોહિનુર’ નામની ચાર માળની રહેણાંક ઇમારત અચાનક ધરાશાયી થતાં 6 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે હજુ પણ 6થી 7 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ NDRF, ભિવંડી પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોકલેન મશીનો અને અન્ય આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, જૂની ઇમારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્રણ આધારસ્તંભ (પિલર) તોડી પાડવામાં આવતા ઇમારતની મજબૂતી પર અસર થઈ હતી અને તે અચાનક ધરાશાયી થઈ ગઈ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇમારતમાંથી અસામાન્ય અવાજો આવતાં મોટાભાગના રહેવાસીઓ સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. તેમ છતાં, કેટલાક રહેવાસીઓ અને સમારકામમાં લાગેલા મજૂરો કાટમાળ નીચે ફસાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. બચાવ ટીમો સતત રાહત અને રેસ્ક્યૂ કામગીરીમાં વ્યસ્ત છે.