મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: વરસાદી નાળામાં કાર તણાઈ, 8 શ્રદ્ધાળુઓનાં મોત

આગર માલવા: મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં મા બગલામુખી મંદિર નજીક ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વરસાદના કારણે વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ અચાનક વધતાં શ્રદ્ધાળુઓને લઈ જતી કાર તેમાં તણાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.
તેજ પ્રવાહમાં કાર તણાઈ
મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓ મા બગલામુખી મંદિરના દર્શન માટે નલખેડા આવ્યા હતા. રાત્રે ભારે વરસાદ પડતાં મંદિર નજીકના વરસાદી નાળામાં પાણીનું સ્તર અને પ્રવાહ વધી ગયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓની કાર તેજ પાણીના પ્રવાહની ઝપેટમાં આવી નાળામાં તણાઈ ગઈ હતી.
મૃતકોમાં 3 બાળકો અને 2 મહિલાઓ
દુર્ઘટનામાં કારમાં સવાર તમામ 8 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા કાર અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મૃતકોની ઓળખની કાર્યવાહી
અકસ્મતમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવા તેમજ અકસ્માત અંગેની વધુ વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.