શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી એમ્પ્લોયી સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ભારે રોષ ફેલાયો છે. દર્દીઓને આપવામાં આવેલા ભોજન પૈકી ખીચડીમાં ઈયળ નિકળતા દર્દીઓ ગભરાયા હતા. આ ઘટના અંગે સ્થાનિક કોર્પોરેશન ઈકબાલ શેખને જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને દર્દીઓ માટે નવેસરથી ભોજનની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરતા મોડી રાતે નવેસરથી ભોજન અપાયું હતું. ગંભીર બેદરકારીને લઈને કોર્પોરેટર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી 320 બેડની ESIC જનરલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવતા દર્દીઓમાં ભારે રોષ ફેલાયો છે. હોસ્પિટલમાં રોજબરોજ સરેરાશ 180 થી 200 જેટલા દર્દીઓ ઇન્ડોર તરીકે દાખલ રહે છે. 30 માર્ચના રોજ મહિલા મેડિકલ વિભાગમાં આશરે 42 મહિલા દર્દીઓ દાખલ હતી, જ્યાં સાંજે લગભગ 6 વાગ્યે નિયમિત રીતે જમવાનું પીરસવામાં આવ્યું હતું. પરંતુ જમણમાં પીરસાયેલી ખીચડીમાં જીવાતો (ઇયળો) જોવા મળતા દર્દીઓ ગભરાઈ ગયા હતા અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ગોમતીપુરના બાબુભાઈ પરમાર, નિકોલના વિજયાબેન મહેન્દ્રભાઈ દવે અને મેમ્કોના અશોકભાઈ એચ. જાદવ સહિતના દર્દીઓના જમણમાં જીવાતો મળી આવતાં તમામ દર્દીઓએ જમવાનું લીધા વગર પરત આપી દીધું હતું.
ઘટનાની જાણ થતાં ગોમતીપુરના દર્દીઓએ સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખનો સંપર્ક કર્યો હતો. તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને હોસ્પિટલના CMO તેમજ નાઈટ સુપરિન્ટેન્ડન્ટને મૌખિક રજૂઆત કરી હતી. તેમણે દર્દીઓને તરત જ સ્વચ્છ અને તાજું ભોજન પૂરું પાડવાની માગણી કરી હતી. આ રજૂઆત બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કિચનમાં ફરીથી સફાઈ કરીને રાત્રે લગભગ 11 વાગ્યે દર્દીઓ માટે નવી રીતે ભોજન તૈયાર કરીને પીરસવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખે ભારત સરકારના મંત્રી મનસુખ માંડવીયા, મેડિકલ કમિશનર (વેસ્ટ ઝોન) અને ESICના રિજનલ ડાયરેક્ટરને લેખિત ફરિયાદ કરી છે.













Leave a Reply