સુરત પાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ભાજપના કાર્યકરોને સાંભળવા માટે ભાજપ કાર્યાલય ખાતે આજથી ત્રણ દિવસીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાવિ કોર્પોરેટર બનવાની આશા રાખતા દાવેદારોએ પાલિકા અને પોલીસના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. પોતાની દાવેદારી રજૂ કરવા આવેલા કાર્યકરોએ કાર સહિતના વાહનો જાહેર રસ્તા તેમજ સાયકલ ટ્રેક પર બેદરકારીપૂર્વક પાર્ક કરી દીધા હતા. સામાન્ય નાગરિકો થોડા સમય માટે પણ રોડ પર વાહન પાર્ક કરે તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે, જ્યારે અહીં કલાકો સુધી વાહનો ઉભા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી ચર્ચાનો વિષય બની છે.
સુરત પાલિકાના કોર્પોરેટર પદ માટેના દાવેદારોની મનોદશા જાણવા પ્રદેશ ભાજપના નિરીક્ષકો આવ્યા છે. આ માટે ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય ખાતે ઉમટી રહ્યા છે. જોકે, કોર્પોરેટર બનવા આતુર આ કાર્યકરોએ પાલિકા અને ટ્રાફિક નિયમોને અવગણીને કાર્યાલય બહારના મુખ્ય રસ્તા અને સાયકલ ટ્રેક પર આડેધડ વાહનો પાર્ક કર્યા હતા.
સુરત શહેરમાં સામાન્ય વ્યક્તિ હોસ્પિટલ કે અન્ય કામ માટે થોડા મિનિટ માટે પણ રોડના ખૂણે વાહન પાર્ક કરે તો ટ્રાફિક પોલીસ તાત્કાલિક આવીને વાહન લોક કરી દે છે અથવા ટુ-વ્હીલર ઊંચકી જાય છે અને દંડ વસૂલ કરે છે. પરંતુ ભાજપ કાર્યાલય બહાર આખો દિવસ જાહેર માર્ગ અને સાયકલ ટ્રેક પર વાહનો ઉભા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે ટ્રાફિક નિયમોના પાલનમાં નેતાઓ અને સામાન્ય નાગરિકો માટે અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે.













Leave a Reply