શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આજે (2 એપ્રિલ) હનુમાન જયંતિના પાવન અવસરે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય અને આકર્ષક ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.
હનુમાન જયંતિના આ વિશેષ દિવસે વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી અને ત્યારબાદ 7 વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. પ્રસંગને વધુ યાદગાર બનાવવા દાદાને 8 કિલો શુદ્ધ સોનાથી બનેલા નૂતન સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણો અને ભવ્ય વસ્ત્રોમાં સજ્જ દાદાના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો સુંદર સંગમ પણ જોવા મળ્યો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન વરસાવવામાં આવ્યા હતા. સાથે જ 151 કિલોની વિશાળ કેક કાપીને પ્રસાદ રૂપે ભક્તોમાં વહેંચવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ડીજેના તાલ અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું.
દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી 1000થી વધુ ભક્તોની હાજરીમાં વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ શરૂ થયો હતો. સવારે 11 વાગ્યે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 7 વાગ્યે નાસિક ઢોલ-તાસા અને આતશબાજી સાથે મહા સંધ્યા આરતી યોજાશે.
ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભોજનશાળા, ગેસ્ટ હાઉસ (લાઈટ હાઉસ અને કષ્ટભંજન ભવન) તેમજ પાર્કિંગની સુવ્યવસ્થિત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને સરળતાથી અને શાંતિપૂર્વક દર્શન થાય તે માટે સ્વયંસેવકો અને પોલીસ તંત્ર પણ ખડેપગે તૈનાત છે.













Leave a Reply