અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયાના સતત માનસિક તથા શારીરિક ત્રાસથી કંટાળી બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ઝંપલાવી પોતાનું જીવન અંત કર્યું. આ ઘટના 20 માર્ચે બની હતી, જ્યારે મૃતકના ભાઈએ 5 એપ્રિલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.
માહિતી મુજબ, રીનાબેન (નામ બદલેલું) ના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી વિપુલ શર્મા સાથે થયા હતા. શરૂઆતમાં સુખી જીવનની આશા હોવા છતાં, લગ્નના થોડા સમય બાદથી જ પતિ દ્વારા તેમને ત્રાસ આપવામાં આવતો હતો. સમાજમાં બદનામીના ડરે રીનાબેન લાંબા સમય સુધી આ પરિસ્થિતિ સહન કરતી રહી હતી. તેમને એક પુત્ર પણ છે.
નવેમ્બર 2025 દરમિયાન સતત તણાવને કારણે તેમની માનસિક સ્થિતિ બગડી જતા તેમને અમદાવાદમાં પિયરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન પણ 13 ફેબ્રુઆરીએ પતિએ અમદાવાદ આવીને સાથે રહેવાનું નકારી દીધું અને ડિવોર્સની ધમકી આપી હતી.
ઘટનાના એક દિવસ પહેલા, એટલે કે 19 માર્ચે ફરી પતિ દ્વારા ફોન પર ડિવોર્સ માટે દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવતા, રીનાબેન વધુ હતાશ થઈ ગઈ હતી. અંતે 20 માર્ચે સવારે તેમણે છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બહેનના અવસાન બાદ ભાઈએ હિંમત ભેગી કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ વિપુલ શર્મા સામે આત્મહત્યાને પ્રેરિત કરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.













Leave a Reply