અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF જવાનોની સતર્કતા અને બહાદુરીના કારણે એક મુસાફરનો જીવ બચી ગયો છે. ‘ઓપરેશન જીવન રક્ષા’ અંતર્ગત ફરજ બજાવતા જવાનોએ પોતાની જાનના જોખમે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા વ્યક્તિને બહાર કાઢી સુરક્ષિત કર્યો.
ઘટનાની વિગત:
આ ઘટના આજે, 6 એપ્રિલની સવારે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બની હતી. ટ્રેન નંબર 09009 સ્ટેશન પરથી નીકળતી વખતે સુરતના 42 વર્ષીય મહેન્દ્ર મહેતા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ખતરનાક ગેપમાં ફસાઈ ગયા.
તે સમયે ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ કિશોરી લાલ બલાઈએ તરત જ મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રેનની ગતિને કારણે તેઓ સફળ થયા નહીં. આ દરમિયાન સાદા કપડામાં હાજર RPFની CPDS ટીમના સહાયક સબ-ઇન્સ્પેક્ટર રમણ કુમાર અને કોન્સ્ટેબલ છોટુ લાલ તાત્કાલિક દોડી આવ્યા અને જોખમ હોવા છતાં મુસાફરને ખેંચીને પ્લેટફોર્મ પર સલામત રીતે બહાર કાઢ્યો.
મુસાફર સુરક્ષિત:
બચાવાયેલા મહેન્દ્રભાઈ સુરતથી ગાંધીધામ જઈ રહ્યા હતા અને સ્ટેશન પર ચા-નાસ્તા માટે ઉતર્યા હતા. જવાનોની ઝડપી કામગીરીને કારણે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. સમગ્ર ઘટના સ્ટેશનના CCTV કેમેરામાં કેદ થઈ છે. RPF જવાનોની આ બહાદુરી અને ફરજનિષ્ઠાને મુસાફરો અને રેલવે અધિકારીઓ દ્વારા પ્રશંસા મળી રહી છે.












Leave a Reply