અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા વસ્ત્રાલ અને નવરંગપુરામાં બે એકમો સીલ કર્યા છે. ફૂડ વિભાગ દ્વારા 452 એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 235 એકમોને નોટિસ ઈશ્યૂ કરાઈ છે. વસ્ત્રાલમાં ભૈરવનાથ પંજાબી તડકામાં એનાલોગ પનીર મુદ્દે તથા નવરંગપુરામાં પંજાબ દી મહેકમાં જીવાત અને ગંદકી મળતા સીલ કરાયા છે. આ ઉપરાંત ગોતા અને નરોડાની ડેરીમાંથી 244 કિગ્રા શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પનીર, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટસ સહિત કુલ 188 ખાદ્ય નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ખાદ્ય ધંધાકીય એકમો ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે. જેમાં પનીરના સૌથી વધુ 69 જેટલા નમૂના તપાસ માટે મોકલાયા છે. આ ઉપરાંત, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટસના 25, શેરડીના રસના 3, બેકરી પ્રોડક્ટસના 6, ખાદ્યતેલના 2, મસાલાના 2 તથા અન્ય 29 નમૂના તપાસ માટે મોકલાયા છે. આ નમૂનાઓના લેબોરેટરી પરિણામ આવ્યેથી નમૂનાના ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા પાંચ દિવસમાં 452 એકમોની ચકાસણી કરી હતી. જેમાંથી 235ને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. ઉપરાંત 199 કિ.ગ્રા. તથા 318 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કર્યો છે. વહીવટી ચાર્જ પેટે ~1.52 લાખ વસૂલ કરવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા સોમવારના રોજ વસ્ત્રાલ ખાતે આવેલા ભૈરવનાથ પંજાબી તડકામાં તપાસ કરતા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેનો પરવાનો ધરાવતા ન હતા, તેમજ પનીરની જગ્યાએ એનાલોગ (નોન ડેરી પ્રોડકટસ)નો ઉપયોગ કરતા હતા અને મેનુ કાર્ડમાં પ્રદર્શિત કરેલું ન હોવાથી તેમજ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા એકમને જાહેર આરોગ્યના હીતમાં સીલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, મંગળવારે નવરંગપુરા ખાતે આવેલા પંજાબ દી મહેકમાં તપાસમાં અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા એકમને જાહેર આરોગ્યના હિતમાં સીલ કરવામાં આવ્યું છે.














Leave a Reply