અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવનારી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય હલચલ તેજ બની છે. આર્યસમાજ રોડને પહોળો કરવાની કોર્પોરેશનની યોજના સામે સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 1,000 જેટલા મકાનો કપાતમાં જવાની શક્યતા છે, જેને કારણે લોકોમાં અશાંતિ અને ભયનો માહોલ ઉભો થયો છે.
ચૂંટણી પહેલા જ આ મુદ્દો ગરમાયો હોવાને લઈને સવાલો ઊભા થયા છે. 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રોડ વિસ્તરણનો મુદ્દો સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. રહીશોનો દાવો છે કે તેઓ વર્ષોથી અહીં રહે છે અને હવે અચાનક તેમના ઘરો પર કપાતનો ખતરો ઊભો થયો છે.
કોર્પોરેશન દ્વારા ત્રણ મહિના પહેલાં જ સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. રેલવે અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરી અંતર્ગત ટી.પી. સ્કીમ બાદ રોડ વિસ્તરણ માટે નિશાન મૂકવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષો જૂના મકાનો તોડી પાડવામાં આવશે તો તેમના માટે રહેવાની સમસ્યા ઊભી થશે. તેઓએ માંગ કરી છે કે કપાતમાં ઘટાડો કરવામાં આવે અથવા વિકલ્પરૂપે રહેવાની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે.
આ મુદ્દે પૂર્વ કોર્પોરેટરે પણ હસ્તક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, લોકોના ઘરો બચાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રોડની પહોળાઈમાં ફેરફાર કરીને ઓછામાં ઓછી અસર થાય તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલ આ મુદ્દો ચાંદલોડિયા વિસ્તારમાં ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બની શકે છે.














Leave a Reply