આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના યુવા અને આક્રમક નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. આવનારી પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ‘આપ’ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
રાજુ કરપડા સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા, રાજેન્દ્ર સિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે, જેના કારણે ભાજપનું સંગઠન વધુ મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી ખેડૂતોના પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા છે. તેમના કહેવા મુજબ માત્ર વિરોધ પ્રદર્શનથી ખેડૂતોને વાસ્તવિક લાભ મળતો નથી, પરંતુ સરકાર સાથે રહીને કામ કરવાથી જ સમસ્યાઓનું નિરાકરણ શક્ય બને છે. તેમણે ઉમેર્યું કે કુદરતી આફતો વખતે સરકાર દ્વારા આપવામાં આવેલા રાહત પેકેજથી ખેડૂતોને ફાયદો થયો હતો, જેનાથી તેઓ પ્રભાવિત થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના રહેવાસી રાજુ કરપડાએ 2017-18 દરમિયાન કપાસ અને મગફળીના ભાવ તેમજ પાક વીમા મુદ્દે આંદોલનો કરીને પોતાની ઓળખ ઉભી કરી હતી. 2021માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ખેડૂતોના મુદ્દે આંદોલન કરવા બદલ તેઓ અનેક વખત જેલમાં પણ જઈ ચૂક્યા છે. જોકે, પક્ષની આંતરિક નીતિઓથી અસંતુષ્ટ થઈ તેમણે ‘આપ’ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.
સૌરાષ્ટ્રમાં તેઓ એક લડાયક અને પ્રભાવશાળી યુવા નેતા તરીકે જાણીતા છે. સોશિયલ મીડિયા પર તેમની સારી પકડ છે અને યુવાનોમાં તેઓ ખાસ લોકપ્રિય રહ્યા છે. તેમની ભાજપમાં એન્ટ્રીથી અમરેલી અને ગઢડા વિસ્તારમાં પાર્ટીને મજબૂતી મળવાની શક્યતા છે.
રાજુ કરપડાએ જણાવ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા છે. સાથે જ, ‘આપ’માં કાર્યકરોની અવગણના અને આંતરિક કાર્યશૈલીથી નિરાશ થઈ તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.
આ દરમિયાન, ટ્રાફિક બ્રાન્ચમાં IG તરીકે ફરજ બજાવતા 2006 બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પણ તાજેતરમાં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને આજે તેઓ પણ ભાજપમાં જોડાયા છે. માનવામાં આવે છે કે તેઓ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.












Leave a Reply