સુરત શહેરના રાંદેર ઝોનમાં આવેલા ગોરાટ વિસ્તારમાં ભાજપના ઉમેદવારને લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓ અને યુવાનો, “જય શ્રી રામ” અને “ભાજપ ગો બેક” જેવા નારા લગાવી ઉમેદવાર અને સાથે આવેલા નેતાઓને પાછા હંકારતા નજરે પડ્યા હતા. સ્થિતિ એટલી તંગ બની ગઈ કે ઉમેદવારને ત્યાંથી નીકળી જવું પડ્યું.
આ ઘટનામાં વિવાદ વધુ ઉગ્ર બન્યો ત્યારે ઉમેદવારના કેટલાક સમર્થકોએ સ્થાનિકો સાથે ઉગ્ર વર્તન કર્યું અને દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાય છે. જેના કારણે બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ અને વાતાવરણ વધુ ગરમાયું. ગુસ્સે ભરાયેલા લોકોએ સમર્થકોને પણ ધક્કા મારી બહાર કાઢ્યા હતા.
આ વિસ્તારમાં ભાજપ માટે અત્યાર સુધી મજબૂત ગઢ માનવામાં આવતું હતું, પરંતુ આ વખતે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થવા અને સ્થાનિક પ્રશ્નોને અવગણવાના આરોપોને લઈને લોકોમાં રોષ છે. વોર્ડ નંબર 11માં ઉમેદવાર મંદિર દર્શન માટે આવવાના સમાચાર મળતાં જ મહિલાઓએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ પ્રચાર માટે સોસાયટીમાં ન આવે.
ઉમેદવાર સાથે પૂર્ણેશ મોદી, હેમાલી બોઘાવાલા અને કેયુર ચપટવાલા જેવા નેતાઓ પણ હાજર હતા. પરંતુ સ્થાનિક લોકોએ આ તમામ નેતાઓને પણ ઘેરીને તેમના સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે જરૂરી સમયે કોઈ મદદ કરવા આવતું નથી અને હવે માત્ર મત માગવા આવ્યા છે.
પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસને બોલાવવી પડી હતી. લોકોનો ગુસ્સો એટલો વધ્યો કે એક પોલીસ સ્ટેશનનો સ્ટાફ પૂરતો ન પડતા બીજા સ્ટેશનની મદદ લેવી પડી. પોલીસની હાજરીમાં પણ લોકોનો વિરોધ ચાલુ રહ્યો અને અંતે નેતાઓને પ્રચાર અધવચ્ચે છોડીને પરત ફરવું પડ્યું.
આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને કારણે ભાજપ માટે આ વિસ્તારમાં રાજકીય સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.













Leave a Reply