અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્રાવેલ એજન્સીએ વિદેશ પ્રવાસના નામે લોકોને સસ્તા પેકેજનો લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. થાઈલેન્ડ ટૂર, વિઝા અને ફ્લાઇટ ટિકિટની વ્યવસ્થા કરવાની ખાતરી આપીને કુલ અંદાજે ₹9.71 લાખ વસૂલ્યા બાદ એજન્સીના સંચાલકો ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ફરિયાદ ચાર મહિના બાદ નોંધાતા સેટેલાઇટ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, શાહીબાગના વેપારી રોહિતભાઈએ ઓગસ્ટ 2025માં એક જાહેરાત જોઈને શિવરંજની-સેટેલાઇટ વિસ્તારમાં આવેલી “કે.સી. હોલિડેઝ” નામની એજન્સીનો સંપર્ક કર્યો હતો. એજન્સીએ ફૂકેટ, ક્રાબી અને બેંગકોક માટે 8 દિવસ અને 7 રાતનું પેકેજ પ્રતિ વ્યક્તિ ₹75,000માં ઓફર કર્યું હતું, જેમાં વિઝા, ફ્લાઇટ ટિકિટ અને રહેવા-જમવાની સુવિધાનો સમાવેશ કરાયો હતો. આ ઓફરથી પ્રભાવિત થઈ રોહિતભાઈએ પોતાના પરિવારના ત્રણ સભ્યો માટે કુલ ₹2.10 લાખ ચૂકવ્યા હતા—જેમાં ₹1.10 લાખ બેન્ક ટ્રાન્સફર અને ₹1 લાખ રોકડ સામેલ હતા. કંપનીએ તેની રસીદ પણ આપી હતી.
ટ્રિપ 14 ડિસેમ્બર 2025ના રોજ નક્કી હતી, પરંતુ પ્રવાસના માત્ર 10 દિવસ પહેલા જ રોહિતભાઈને ખબર પડી કે એજન્સીના સંચાલકો ઓફિસ બંધ કરીને ગાયબ થઈ ગયા છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે અન્ય ઘણા લોકો પણ આવી જ રીતે ઠગાઈનો ભોગ બન્યા છે.
અન્ય પીડિતોમાં રવિભાઈ વચેટાએ 4 ટિકિટ માટે ₹3.20 લાખ, કુણાલભાઈ વચેટાએ 3 ટિકિટ માટે ₹2.40 લાખ અને નરેશભાઈ વચેટાએ 2 ટિકિટ માટે ₹2 લાખ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે.
હાલમાં સેટેલાઇટ પોલીસે રોહિતભાઈની ફરિયાદના આધારે એજન્સીના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ, પારુલબેન ચૌહાણ અને કર્મચારી વિવેક વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ લોકો પાસેથી રોકડ અને ઓનલાઈન રૂપિયા વસૂલ્યા છતાં કોઈ ટ્રાવેલ સેવા પૂરી પાડી નહોતી. આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને તપાસ આગળ વધતા છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.













Leave a Reply