ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. તેમના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ થઈ છે.
મળતી માહિતી મુજબ, જેઠાભાઈએ કામનું ભારણ વધુ હોવાના કારણે અન્ય હોદ્દા અને સામાજિક જવાબદારીની વ્યસ્તતાનું કારણ આપી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની પ્રત્યક્ષ હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપવામાં આવ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે.
જેઠાભાઈ ભરવાડ ગુજરાતના એક પીઢ અને પ્રભાવશાળી રાજકારણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. જેઠાભાઈ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ 2012, 2017 અને 2022માં સતત આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ (Deputy Speaker) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
રાજકારણ ઉપરાંત, જેઠાભાઈ ભરવાડ સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ જ સક્રિય અને જાણીતું નામ છે. તેઓ પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેઓ NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) ના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના રાજકારણમાં એક મજબૂત નેતા તરીકેની છબી ધરાવે છે અને પોતાના મતવિસ્તારમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.













Leave a Reply