પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી શક્તિ સાથે મેદાનમાં ઉતરી ગયા છે અને સ્ટાર પ્રચારકો સતત રેલીઓ અને સભાઓ દ્વારા મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ રેલીઓમાં નેતાઓના ભાષણો ચર્ચાનો વિષય બની રહ્યા છે. આવી જ એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે બંગાળમાં તેમની રેલીઓમાં જોવા મળતો ઉત્સાહ અને જનસમર્થન તેમણે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ અગાઉ ક્યારેય જોયો નથી.
“આ તો માત્ર ટ્રેલર છે” – PM મોદીનો દાવો
પૂર્વ બર્ધમાન જિલ્લામાં યોજાયેલી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બપોરના સમયે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થવું સરળ નથી, પરંતુ બંગાળની જનતા સતત આવો ઉત્સાહ દર્શાવી રહી છે. તેમણે આ ભીડને આવનારા ચૂંટણી પરિણામોનો સંકેત ગણાવ્યો અને કહ્યું કે 4 મેના રોજ રાજ્યમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. તેમણે જનસભામાં ઉમટેલા જનસૈલાબને “માત્ર ટ્રેલર” ગણાવીને મુખ્ય પરિણામ હજી આવવાનું બાકી હોવાનું જણાવ્યું.
TMC વિરુદ્ધ વ્હાઇટ પેપરની જાહેરાત
પોતાના ભાષણમાં પીએમ મોદીએ જણાવ્યું કે જો ભાજપ રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરશે તો સૌથી પહેલા છેલ્લા 15 વર્ષ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર પર વ્હાઇટ પેપર બહાર પાડવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે TMCના નેતાઓ જનતામાં ભ્રમ ફેલાવી રહ્યા છે કે ભાજપ સત્તામાં આવશે તો સરકારી યોજનાઓ બંધ થઈ જશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈ પણ કલ્યાણકારી યોજના બંધ નહીં થાય, પરંતુ ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આયુષ્માન ભારત યોજના લાગુ કરવાની જાહેરાત
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર બનતા જ પ્રથમ કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારત યોજનાને રાજ્યમાં લાગુ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું કે હાલની રાજ્ય સરકારે લોકોને આ યોજનાના લાભોથી લાંબા સમય સુધી વંચિત રાખ્યા છે. ઉપરાંત, તેમણે ઘૂસણખોરીના મુદ્દે કડક પગલાં લેવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે માત્ર ઘૂસણખોરો જ નહીં, પરંતુ તેમને નકલી દસ્તાવેજો બનાવીને વસાવનારાઓ સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.














Leave a Reply