ગુજરાતમાં જિલ્લા, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકા અને નગરપાલિકાની દસ હજારથી વધુ બેઠકો માટે ૨૬ એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈને ભાજપમાં ભારે ગૂંચવણ અને આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ પહેલાં જ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વિલંબ અને મતભેદો વધતા પક્ષ માટે પરિસ્થિતિ પડકારજનક બની ગઈ છે. ખાસ કરીને OBC અનામત લાગુ થયા બાદ સમીકરણોમાં મોટો ફેરફાર થતા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં યોગ્ય ઉમેદવાર પસંદ કરવો મુશ્કેલ બન્યો છે. પરિણામે ટિકિટ માટે દાવેદારી કરનારાઓમાં અસંતોષ વધી રહ્યો છે.
આંતરિક વિરોધ અને સંભવિત બળવો ટાળવા અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે બપોરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યાલયમાં પ્રવેશ માટે કાર્યકરોના ઓળખપત્રોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે, જેનાથી અગાઉની તોડફોડની ઘટનાઓની યાદ તાજી થઈ છે. કેટલાક વોર્ડમાં તો ઉમેદવારોને સીધા ફોન કરીને ઉમેદવારી નોંધાવવાની સૂચના આપવાની ફરજ પડી રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના ૪૮ વોર્ડ માટે લગભગ પાંચ હજાર દાવેદારોએ ટિકિટ માટે રજૂઆતો કરી હતી. તેમાં સંકલન બેઠક બાદ અનેક નામો બહાર થઈ ગયા છે, જ્યારે કેટલાક સ્થળે ધારાસભ્યોએ પોતાના સમર્થકોને પેનલમાં સ્થાન આપ્યું હોવાનું કહેવામાં આવે છે. અન્ય મહાનગરો અને જિલ્લાઓમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો છે, જેના કારણે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા તમામ રજૂઆતોનું ડેટા એકત્ર કરી અંતિમ યાદી તૈયાર કરવામાં વિલંબ થયો છે. સાથે જ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર ન થતાં, પ્રતિસ્પર્ધી સમીકરણો ધ્યાનમાં રાખીને ટિકિટ ફાળવવાની પ્રક્રિયા પણ અટકી રહી છે.
ભાજપે અમદાવાદ મહાનગર સિવાયના ઘણા જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ હજુ પણ અડધા જેટલા ઉમેદવારોના નામ બાકી છે. વડોદરા મહાનગરમાં ૭૬ બેઠકોમાંથી ૬૬ વર્તમાન કાઉન્સિલરોને ટિકિટ આપવામાં આવી નથી, જેના કારણે અસંતોષ વધ્યો છે. અનેક વિસ્તારોમાં ટિકિટ ન મળતા પૂર્વ સભ્યો અને સરપંચોએ પક્ષ છોડીને કોંગ્રેસ અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, ભરૂચ, દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
શનિવારે અંતિમ દિવસે ભાજપના છ હજારથી વધુ ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે, જેને લઈને તમામ કાર્યાલયોમાં લીગલ ટીમોને સતત કામગીરી કરવી પડશે.
અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કુલ ૧૬૦ કોર્પોરેટરોમાંથી માત્ર ૩૮ને જ ફરી તક આપવામાં આવી છે, જ્યારે ૧૨૨ નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. પશ્ચિમ અમદાવાદના ૧૭ વોર્ડમાં ૫૧ જેટલા જૂના કોર્પોરેટરોને બદલી નાખવામાં આવ્યા છે. પૂર્વ મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને દંડક શીતલબેન ડાગાને ટિકિટ આપવામાં આવી નથી. માત્ર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી ફરીથી ઉમેદવાર બન્યા છે.
કેટલાક વોર્ડમાં વય મર્યાદા અને ટર્મની શરતો લાગુ કરવામાં આવી છે, તો ક્યાંક પરિવારજનોને ટિકિટ આપવાની પ્રથા પણ જોવા મળી છે. મણીનગરમાં ચારેય વર્તમાન કોર્પોરેટરોને બદલી નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે, જ્યારે ખાડિયા અને પાલડી જેવા વિસ્તારોમાં કેટલાક જૂના ચહેરાઓને ફરી તક મળી છે.
આ દરમિયાન, આમ આદમી પાર્ટી છોડીને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા ખેડૂત નેતા રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી-૨ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેઓ શનિવારે ઉમેદવારી પત્ર ભરશે.














Leave a Reply