ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આ ઢંઢેરો રજૂ કર્યો હતો, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેને આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર પૂર્ણ કરવાનો ઉદ્દેશ છે.
આ યોજના હેઠળ 28 મોડેલ ફાયર સ્ટેશનો, 140 મીટર સુધી કાર્યક્ષમ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથેની ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને ડ્રોન ટેકનોલોજીનો સમાવેશ કરવાની પણ યોજના છે. નેતાઓએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વિકાસના મૂળ આધાર છે અને અમદાવાદ શહેર વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે, જેમાં રાજ્ય સરકારનું માર્ગદર્શન મહત્વપૂર્ણ છે.
આગામી પાંચ વર્ષ માટે શહેર માટેના મુખ્ય વચનોમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો વિકાસ, 100 લેફ્ટ ટર્ન ખુલ્લા મૂકવાની યોજના અને શહેરને સ્લમમુક્ત બનાવવાનો પ્રયાસ શામેલ છે, જેમાં 50,000 નવા મકાનો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તે ઉપરાંત, 2030 સુધીમાં શહેરને ફાટકમુક્ત બનાવવા અને 3000 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના છે. 17 નવા બ્રિજ બનાવવામાં આવશે અને સુભાષ બ્રિજને 8 માર્ગીય બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન વિકસાવવામાં આવશે.
પર્યાવરણને ધ્યાનમાં રાખીને શહેરમાં ગ્રીન કવર વધારવાની યોજના છે અને પીરાણા ડમ્પિંગ સાઈટને દૂર કરવાની પણ તૈયારી કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ દ્વારા શહેરને વધુ આધુનિક, સ્વચ્છ અને સુવિધાસભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.












Leave a Reply