અમદાવાદ જિલ્લાના નળસરોવર-વિરમગામ હાઈવે પર આજે (24 એપ્રિલ) વહેલી સવારે એક હૃદયવિદારક અકસ્માત સર્જાયો છે. કમીજલા અને વનથળ ગામ વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના દુઃખદ મોત નિપજ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના સવારે અંદાજે 8:00 થી 8:30 વાગ્યાના સમયમાં બની હતી. મૃતકો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં રહેતા હતા અને બાઈક પર વિરમગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બાઈક અને એક બોલેરો પીકઅપ એક જ દિશામાં આગળ વધી રહ્યા હતા.
અચાનક પીકઅપ ચાલકે ઓવરટેક કરવાની કોશિશ કરતા બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર એટલી ભયાનક હતી કે સ્થળ પર જ 30 થી 35 વર્ષની ઉંમરના પુરુષ અને મહિલાનું મોત થઈ ગયું, જ્યારે એક નાનકડા બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.
આ દુર્ઘટના બાદ પીકઅપનો ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ વિરમગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવા માટે શોધખોળ શરૂ કરી છે.













Leave a Reply