નવી દિલ્હી : રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP) માટે મોટો રાજકીય ઝટકો ત્યારે લાગ્યો જ્યારે રાઘવ ચઢ્ઢાએ શુક્રવારે અન્ય છ સાંસદો સાથે પક્ષમાંથી રાજીનામું આપી દીધું. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોને અંત આપતાં તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી. રાઘવ ચઢ્ઢા સાથે અશોક મિત્તલ અને સંદીપ પાઠક સહિત કુલ સાત સાંસદોએ આપનો ત્યાગ કર્યો, જેના કારણે પાર્ટીની સંખ્યાબળ પર સીધી અસર પડી છે.
રાજીનામા બાદ રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા અને રાજ્યસભા અધ્યક્ષને ભાજપમાં જોડાવા માટેના જરૂરી દસ્તાવેજો સોંપ્યા. મંજૂરી મળ્યા પછી તેઓ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થશે. અન્ય રાજીનામું આપનારા સાંસદોમાં હરભજન સિંહ, સ્વાતિ માલિવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજિત સાહનીનો સમાવેશ થાય છે.
આ ઘટનાથી આમ આદમી પાર્ટીને મોટો રાજકીય આંચકો લાગ્યો છે, કારણ કે રાજ્યસભામાં તેના ૧૦માંથી ૭ સાંસદોએ પક્ષ છોડી દીધો છે. હવે માત્ર સંજય સિંહ, એન.ડી. ગુપ્તા અને બલબિર સિંહ સીચેવાલ જ પક્ષ સાથે રહ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી તેના સ્થાપના સમયના મૂલ્યો અને સિદ્ધાંતોમાંથી ભટકી ગઈ છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી તેઓ પક્ષમાં અસંતોષ અનુભવી રહ્યા હતા અને હવે તેઓ લોકોની સેવા માટે નવો માર્ગ અપનાવી રહ્યા છે. તેમના મુજબ, “હું સાચો માણસ ખોટા પક્ષમાં છું” એવી લાગણી સતત વધતી હતી.
આ તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પક્ષ છોડનારા સાંસદોને ‘ગદ્દાર’ કહીને ભાજપ પર ‘ઓપરેશન લોટસ’ ચલાવી આપને નબળી પાડવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આ રાજકીય ચાલ ચલાવી છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે, કેજરીવાલની ધરપકડ બાદથી જ રાઘવ ચઢ્ઢાની પક્ષ છોડવાની શક્યતા વધી ગઈ હતી. તેઓ આ સમય દરમિયાન જાહેરમાં સક્રિય જોવા મળ્યા નહોતા અને પક્ષની અંદર તેમની ભૂમિકા પણ ધીમે ધીમે ઘટતી ગઈ હતી.
અશોક મિત્તલ અને સંદીપ પાઠકના રાજીનામા પણ આપ માટે મોટો આંચકો ગણાઈ રહ્યા છે. સ્વાતિ માલિવાલે પણ પક્ષના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, પક્ષ તેના મૂળ સિદ્ધાંતોને ભૂલી ગયો છે.
ભાજપના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ નીતિન નવીને તમામ નેતાઓનું સ્વાગત કર્યું અને તેમને ભાજપ પરિવારનો ભાગ બનવા બદલ અભિનંદન પાઠવ્યા.













Leave a Reply