પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી શરૂ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. નાણાકીય ગેરરીતિ, રંગદારી, ગેરકાયદેસર હથિયારો, ચૂંટણી બાદની હિંસા અને મહિલાઓ પર અત્યાચાર જેવા ગંભીર કેસોમાં અનેક દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો અને પંચાયત પદાધિકારીઓ કાયદાના સિકંજામાં આવ્યા છે.
EDની મોટી કાર્યવાહી, પૂર્વ મંત્રી સહિત અનેકની ધરપકડ
નગરપાલિકા ભરતી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મંત્રી સુજીત બોસની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શેખ શાહજહાં પર જમીન કબજો, મહિલાઓ પર અત્યાચાર અને EDની ટીમ પર હુમલાના આરોપ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.
બીજી તરફ, દક્ષિણ 24 પરગણામાં STFએ TMC ધારાસભ્ય દિલીપ મંડલના પુત્ર અર્ઘ્ય મંડલને વિદેશી પિસ્તોલ અને ગેરકાયદેસર કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. માલ્દાના રતુઆ વિસ્તારમાં સહકારી બેંકમાં આશરે 13 કરોડ રૂપિયાની ગેરરીતિના કેસમાં બિલાઈમારી પંચાયતના પ્રધાન સ્મૃતિકણા મંડળ અને તેમના પતિ અનિલ મંડળની પણ ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા સ્તરના નેતાઓ સામે પણ કડક એક્શન
રાજ્યભરમાં જિલ્લા અને બ્લોક સ્તરના TMC નેતાઓ સામે પણ પોલીસ તાબડતોડ કાર્યવાહી કરી રહી છે. કૂચબિહાર બ્લોક નંબર-1 સમિતિના અધ્યક્ષ અબ્દુલ કાદર હકને રાજકીય વિરોધીઓ પર હુમલો અને તોડફોડના આરોપસર અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત ફાલ્ટા પંચાયત સમિતિના ઉપાધ્યક્ષ સૈદુલ ખાન, સરજીત વિશ્વાસ અને રાજદીપ દે સામે રંગદારી અને જાનલેવા હુમલાના કેસ નોંધાતા તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ધરપકડના ડરથી કેટલાક નેતાઓ ગાયબ
આ સમગ્ર કાર્યવાહી બાદ અનેક TMC નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય દિલીપ મંડલ પુત્રના હથિયાર કેસ બાદથી જ સંપર્કવિહોણા હોવાનું કહેવાય છે. તેમજ દિનહાટાના પૂર્વ ધારાસભ્ય ઉદયન ગુહા પણ ચૂંટણી બાદથી વિસ્તારમાંથી ગાયબ છે અને તેમની શોધમાં પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જનતાનો ગુસ્સો રસ્તા પર
આ કાર્યવાહી બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોનો વર્ષોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અનેક પોલીસ સ્ટેશનો બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કેટલાક સ્થાનિક TMC નેતાઓએ લોકો પાસેથી વસૂલેલી ખંડણીની રકમ પરત આપવાનું શરૂ કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.













Leave a Reply