નવી દિલ્હી: વડાપ્રધાન Narendra Modi એ લોકસભામાં ઈરાન યુદ્ધ અને મધ્ય-પૂર્વમાં વધતી તંગદિલી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે ઊર્જા સંકટના જોખમ અને વિદેશમાં રહેલા ભારતીયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ જણાવ્યું કે જેમ ભારતે કોવિડ મહામારી સામે સફળતાપૂર્વક લડત આપી હતી, તેમ જ દેશ મધ્ય-પૂર્વની પરિસ્થિતિનો પણ મક્કમ રીતે સામનો કરશે. તેમણે હોર્મુઝની ખાડી મારફતે વેપાર ફરી શરૂ કરવાનો ખાસ ભાર મૂક્યો.
મોદીએ જણાવ્યું કે ભારતનું માનવું છે કે મધ્ય-પૂર્વમાં તણાવ તાત્કાલિક ઘટાડવો જોઈએ અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં આવવો જોઈએ. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થવાની શક્યતા છે. નાગરિકો અને પાવર પ્લાન્ટ પર થતા હુમલાઓને તેમણે સંપૂર્ણપણે અયોગ્ય ગણાવ્યા. સરકાર હાલ સંવેદનશીલ અને સતર્ક છે તેમજ જરૂરી સહાયતા આપવા માટે તૈયાર છે.
ભારતની મોટાભાગની ઊર્જા આયાત હોર્મુઝની ખાડી મારફતે થાય છે, જેના કારણે ક્રૂડ ઓઈલ, ગેસ અને ખાતર જેવા ઉત્પાદનોના વેપારમાં પડકારો ઊભા થયા છે. છતાં, સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે જરૂરી પગલાં લીધા છે. અગાઉ ભારત ૨૭ દેશોમાંથી ઊર્જા આયાત કરતું હતું, જે હવે વધીને ૪૧ દેશો સુધી પહોંચી ગયું છે.
ઈરાન યુદ્ધ દરમિયાન, ઈરાનમાંથી ૧૦૦૦ ભારતીયો સહિત મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયામાં ફસાયેલા અંદાજે ૩.૭૫ લાખ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા, જેમાં ૭૦૦ મેડિકલ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને જણાવ્યું કે દેશમાં હાલમાં ૫૩ લાખ મેટ્રિક ટન ક્રૂડનો જથ્થો ઉપલબ્ધ છે અને તેને વધારીને ૬૫ લાખ મેટ્રિક ટન કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ખેડૂતો પર પડતી અસર અંગે મોદીએ જણાવ્યું કે દેશમાં પૂરતું ખાદ્યઅનાજ ઉપલબ્ધ છે અને ખેડૂતો માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાતરની અછત હોવા છતાં, ભારતે કોવિડ દરમિયાન પણ યૂરિયા સસ્તા દરે ઉપલબ્ધ કરાવ્યું હતું. હાલમાં દેશમાં છ યૂરિયા પ્લાન્ટ કાર્યરત છે, જેની કુલ ક્ષમતા ૭૫ લાખ મેટ્રિક ટન છે. સાથે જ, સોલાર પંપના વધતા ઉપયોગને કારણે ખેડૂતોની ડીઝલ પરની નિર્ભરતા ઘટી છે, જેના કારણે ખેતી પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી.














Leave a Reply