નાલંદા મંદિર ખાતે નાસભાગ : 8 ભક્તોના કરૂણ મોત, અનેક ઘાયલ
બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી ભારે ભીડ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
કેવી રીતે સર્જાઈ ઘટના?
મળતી માહિતી મુજબ, ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારના કારણે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંદિરે ભેગા થયા હતા. પૂરતા બંદોબસ્તના અભાવે પરિસ્થિતિ ધીમે ધીમે બેકાબૂ બનતી ગઈ. દર્શન માટે ઉતાવળમાં કેટલાક લોકોએ કતાર તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અફરાતફરી ફેલાઈ ગઈ. ભીડ અચાનક અનિયંત્રિત બનતા લોકો એકબીજા પર પડતા ગયા અને નાસભાગ સર્જાઈ.
વહીવટીતંત્ર પર ઉઠ્યા સવાલો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળ પ્રશાસનની બેદરકારી મોટું કારણ છે. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નાલંદાની મુલાકાતે હતા અને નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી રહ્યા હતા. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા મુખ્યત્વે રાષ્ટ્રપતિના કાર્યક્રમ તરફ કેન્દ્રિત રહી અને મંદિર વિસ્તારમાં પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
ઘાયલોની સારવાર ચાલુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ 8 લોકોને મૃત જાહેર કર્યા છે. બાકી ઘાયલોની સારવાર ચાલુ છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને ઘટનાની ઊંચી સ્તરની તપાસની માંગ ઉઠી રહી છે.















Leave a Reply