અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી લુબી કંપનીમાં આજે (6 મે) અચાનક કામકાજ ખોરવાઈ ગયું હતું. કંપનીમાં કાર્યરત 500થી વધુ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કર્મચારીઓના આંદોલનના કારણે કંપનીનું ઉત્પાદન કાર્ય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. હાલ તમામ દેખાવકારો ફેક્ટરી પરિસરમાં જ એકઠા થઈ મેનેજમેન્ટ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
કર્મચારીઓનો મુખ્ય મુદ્દો વેતન વધારો અને ઓવરટાઇમના પ્રશ્નોનો છે. કામદારોના જણાવ્યા મુજબ, તેમણે અગાઉ અનેકવાર કંપનીના સંચાલકો સમક્ષ પગાર વધારાની રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જેના કારણે હવે કામદારોએ સરકારના નિયમો અને શ્રમ કાયદાઓનો ઉલ્લેખ કરીને વેતનમાં વધારો કરવાની માગ સાથે હડતાળ શરૂ કરી છે.
હડતાળના પગલે કંપનીની અંદર પરિસ્થિતિ તંગ બની ગઈ છે. ફેક્ટરીના મુખ્ય દરવાજા બંધ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. કામદારોનો આક્ષેપ છે કે તેમને યોગ્ય વળતર, ઓવરટાઇમનો લાભ અને જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી, જેના કારણે શ્રમિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓ પણ કંપની સમક્ષ મૂકી છે. જેમાં લઘુત્તમ વેતન 21 હજારથી 25 હજાર રૂપિયા સુધી કરવાનો મુદ્દો મુખ્ય છે. ઉપરાંત વાર્ષિક પગાર વધારા તરીકે 1500થી 2000 રૂપિયા વધારાની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પગાર વધ્યા બાદ પણ ઉત્પાદનનું લક્ષ્ય વધારવું નહીં. સાથે જ મહત્તમ વેતન અને માસિક ઇન્સેન્ટિવ દર મહીનાની 15મી તારીખે ચૂકવવાની માંગ છે.
આ ઉપરાંત કંપની અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓને મફતમાં કંપનીના લોગોવાળી ટી-શર્ટ અને સેફ્ટી શૂઝ આપવા, સિનિયોરિટી અને સ્કેલ પ્રમાણે પગારમાં વધારો કરવા તેમજ સુપરવાઈઝર દ્વારા કામદારો પર દબાણ અથવા નોકરીમાંથી કાઢવાની ધમકીઓ બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે.












Leave a Reply