નવી દિલ્હી:
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓ માટે ઘડાયેલા નવા નિયમોને લઈને ઊભેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિયમોને ભેદભાવજનક ગણાવી સર્વોચ્ચ અદાલતે તેના અમલ પર અસ્થાયી રોક લગાવી છે. સાથે જ કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ પાઠવી વધુ સ્પષ્ટતા માગી છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે, ત્યાં સુધી 2012ના જૂના નિયમો જ અમલમાં રહેશે.
યુજીસીના “ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન નિયમ, 2026” સામે દેશના અનેક રાજ્યોમાં સવર્ણ વર્ગ તરફથી ભારે વિરોધ નોંધાયો હતો. આ નિયમોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટે તેની ભાષા અને જોગવાઈઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટની કડક ટિપ્પણી
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ નવા નિયમોમાં અલગ-अलग જાતિના વિદ્યાર્થીઓ માટે અલગ હોસ્ટેલની સૂચિત જોગવાઈ પર કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “ભગવાન માટે આવું ના કરશો.” તેમણે ઉમેર્યું કે શિક્ષણ સંસ્થાઓ સમાજને જોડવાનો માર્ગ હોવો જોઈએ, વિભાજન કરવાનો નહીં. ન્યાયમૂર્તિ બાગચીએ પણ જણાવ્યું કે ભારતની એકતા અને સમરસતા શૈક્ષણિક સંસ્થાઓમાં સ્પષ્ટ દેખાવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે ખાસ કરીને નિયમ 3(સી)ને “અસ્પષ્ટ” ગણાવ્યો અને કહ્યું કે તેની વ્યાખ્યા દુરુપયોગ માટે રસ્તો ખોલી શકે છે. બેન્ચે ચિંતા વ્યક્ત કરી કે આ જોગવાઈઓ સમાજમાં વિભાજન વધારતી ખતરનાક પરિસ્થિતિ ઊભી કરી શકે છે. કોર્ટે પૂછ્યું કે જ્યારે નિયમ 3(ઈ) તમામ પ્રકારના ભેદભાવને આવરી લે છે, તો જાતિ આધારિત ભેદભાવને અલગથી વ્યાખ્યાયિત કરવાની જરૂર કેમ પડી? ઉપરાંત, રેગિંગ જેવી ગંભીર સમસ્યાનો ઉલ્લેખ નવા નિયમોમાં કેમ નથી, તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો.
વિરોધ અને રાજકીય પ્રતિક્રિયા
યુજીસીના નવા નિયમોને સવર્ણ વર્ગ સામે ભેદભાવ ઊભો કરનારા ગણાવી સોશિયલ મીડિયા પર વ્યાપક વિરોધ શરૂ થયો હતો, જે બાદમાં રસ્તા પર ઉતરી આવ્યો. દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં દેખાવો થયા. આ વિરોધની અસર શાસક પક્ષ ભાજપ સુધી પહોંચી હતી, જ્યાં કેટલાક સ્થાનિક નેતાઓએ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કેટલાકે તો રાજીનામાં પણ આપ્યા હતા.
યુજીસીના નિયમોમાં શું છે વિવાદ?
નવા નિયમો હેઠળ કોલેજો અને યુનિવર્સિટીઓને એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની ફરિયાદો માટે ખાસ સમિતિઓ અને હેલ્પલાઈન બનાવવાની ફરજ પાડવામાં આવી છે. 13 જાન્યુઆરીએ નોટિફાઈ કરાયેલા આ નિયમોમાં ભેદભાવના મુદ્દે મુખ્યત્વે આ વર્ગો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અરજદારોનો દાવો છે કે તેમાં સવર્ણ વિદ્યાર્થીઓને ભેદભાવથી બચાવવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.
સુનાવણી દરમિયાન વકીલોએ ઉદાહરણ આપ્યું કે જો સામાન્ય વર્ગનો વિદ્યાર્થી રેગિંગ કે અન્ય પીડાનો ભોગ બને, તો નવા નિયમો હેઠળ તેને યોગ્ય સુરક્ષા મળતી નથી. આ દલીલો સાંભળી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો સમયસર દખલ ન કરવામાં આવે તો તેના ગંભીર અને વિભાજક પરિણામો આવી શકે છે.
આગળ શું?
સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરી આદેશ આપ્યો છે કે નવા આદેશો ન આવે ત્યાં સુધી યુજીસીના 2012ના નિયમો અમલમાં રહેશે. સાથે જ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સૂચન કર્યું કે નવા નિયમો પર જાણીતા કાનૂની નિષ્ણાતોની સમિતિ દ્વારા ફરીથી વિચાર કરવામાં આવે, જેથી તે વધુ સ્પષ્ટ, સમાનતાપૂર્ણ અને સમરસતા જાળવનારા બની શકે.















Leave a Reply