નવી દિલ્હી : બિહારમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપનાર નીતિશ કુમારે હવે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની આ જાહેરાત સાથે બિહારમાં લગભગ બે દાયકાથી ચાલતો નીતિશ કુમારનો મુખ્યમંત્રી તરીકેનો સમયગાળો સમાપ્ત થવાની સ્થિતિ ઉભી થઈ છે.
ગુરુવારે જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું. તેમના સાથે ભાજપના બિહાર પ્રદેશ અધ્યક્ષ નીતિન નબીન અને આરએલએમના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. એક જ દિવસે ત્રણ અલગ અલગ પક્ષોના પ્રમુખોએ ઉમેદવારી નોંધાવતા બિહારના રાજકારણમાં અનોખી ઘટના બની છે.
બિહારમાં રાજ્યસભાની કુલ પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. એનડીએ ગઠબંધનના તમામ પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બીજી તરફ વિપક્ષ રાજદના અમરેન્દ્ર ધારી સિંહે પણ ઉમેદવારી નોંધાવતા હવે ચૂંટણી યોજાવું નિશ્ચિત બની ગયું છે.
નીતિશ કુમારે વર્ષ ૨૦૦૫થી બિહારના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી અને ગયા વર્ષે તેઓ સતત દસમી વખત મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યસભામાં જવાની જાહેરાત બાદ તેમણે જણાવ્યું કે તેમની બાદ બનેલી નવી સરકારને તેઓ સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપતા રહેશે.
સોશિયલ મીડિયા પર સંદેશ આપતાં નીતિશ કુમારે લખ્યું કે બે દાયકાથી વધુ સમય સુધી બિહારની જનતાએ તેમની પર વિશ્વાસ મૂક્યો અને સાથ આપ્યો તે બદલ તેઓ આભારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજકીય જીવનની શરૂઆતથી જ તેમની ઇચ્છા સંસદના બંને ગૃહો – લોકસભા અને રાજ્યસભા –માં સેવા આપવાની રહી છે અને આ ઇચ્છા પૂરી કરવા તેઓએ રાજ્યસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
પટનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નીતિશ કુમારના નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું કે તેમનું રાજકીય જીવન કલંકરહિત રહ્યું છે અને મુખ્યમંત્રી તરીકે તેમનું કાર્ય હંમેશા યાદ રહેશે. તેમણે કહ્યું કે નીતિશ કુમાર હવે રાષ્ટ્રીય રાજકારણમાં નવી ભૂમિકા ભજવશે.
બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે એનડીએના અન્ય ઉમેદવારોમાં નીતિન નબીન, ઉપેન્દ્ર કુશવાહા, શિવેશ કુમાર અને રામનાથ ઠાકુરનો સમાવેશ થાય છે. હાલ રાજ્યસભામાં જદયુના હરિવંશ નારાયણ સિંહ અને રામનાથ ઠાકુર, રાજદના પ્રેમ ચંદ ગુપ્તા અને અમરેન્દ્ર ધારી સિંહ તથા આરએલએમના ઉપેન્દ્ર કુશવાહાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી આ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે.
બિહાર વિધાનસભામાં કુલ ૨૪૩ સભ્યો છે અને રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ૪૧ ધારાસભ્યોના મતની જરૂર પડે છે. હાલ એનડીએ ગઠબંધન પાસે ૨૦૨ ધારાસભ્યોનો આધાર હોવાથી તમામ પાંચ બેઠકો જીતવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણી ૧૬ માર્ચે યોજાવાની છે.
આ દરમિયાન નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયથી જનતા દળ યુનાઇટેડમાં અસંતોષ પણ જોવા મળ્યો છે. પટનામાં પાર્ટી ઓફિસ બહાર કેટલાક કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાનો ઘેરાવ કર્યો હતો. તેમજ નીતિશ કુમારના પૈતૃક ગામ કલ્યાણ બિગહામાં પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કે જનતાએ નીતિશ કુમારના ચહેરા પર વિશ્વાસ રાખીને મત આપ્યો હતો.














Leave a Reply