નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ પોઇન્ટમાં થયેલા વિસ્ફોટથી આગ લાગી અને ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ. ઘટનાના સમયે ઘરમાં અંદાજે 10 એલપીજી સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જે એક પછી એક ફાટતા જતા પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના કરુણ મોત થયા છે. બીજી તરફ, દિલ્હીમાં બનેલી સમાન ઘટનામાં એક જ પરિવારના 9 લોકોનાં મોત થતાં, બંને ઘટનાઓમાં મળીને કુલ 17 લોકોનાં જીવ ગયા છે.
ઇન્દોરના બેન્ગાલી સ્ક્વેર વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં રહેતા પરિવારએ રાત્રે પોતાની ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગમાં મૂકી હતી. ચાર્જિંગ બંધ કર્યા વગર બધા સૂઈ ગયા હતા. વહેલી સવારે લગભગ 4 વાગ્યે ચાર્જિંગ પોઇન્ટમાં વિસ્ફોટ થતાં આગ લાગી, જે થોડી જ વારમાં આખા ઘરમાં ફેલાઈ ગઈ. ઘરમાં રાખેલા એલપીજી સિલિન્ડર આગની ઝપેટમાં આવતા ધડાધડ ફાટવા લાગ્યા.
આ ઘટનામાં પરિવારની ત્રણ મોટી ભૂલો સામે આવી છે—રાત્રે ચાર્જિંગ ચાલુ રાખવું, ઘરમાં વધુ પ્રમાણમાં સિલિન્ડર સંગ્રહ કરવો અને તમામ દરવાજાઓ પર ઇલેક્ટ્રિક લોકિંગ સિસ્ટમ લગાવવી. આગને કારણે વીજ પુરવઠો બંધ થતાં લોકિંગ સિસ્ટમ કામ નહોતી કરતી, જેના કારણે પરિવાર બહાર નીકળી શક્યો નહીં અને અંદર જ ગુંગળાઈને મોતને ભેટ્યો. મૃતકોમાં બે નાના બાળકો, ત્રણ મહિલાઓ અને એક વૃદ્ધાનો સમાવેશ થાય છે.
પોલીસ કમિશનર સંતોષ કુમારસિંહે જણાવ્યું કે ઘટના દરમિયાન 2-3 સિલિન્ડર ફાટતા પરિસ્થિતિ વધુ ભયાનક બની ગઈ હતી. ફાયર બ્રિગેડ અને રાહત ટીમો ઝડપથી સ્થળે પહોંચી હતી, પરંતુ સતત થતા વિસ્ફોટોને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.
આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરવાની જાહેરાત કરી છે.
દિલ્હીમાં બનેલી બીજી ઘટનામાં આગ ઝડપથી ફેલાતા એક વ્યક્તિએ પોતાની બે વર્ષની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકીને તેનો જીવ બચાવ્યો અને પછી પોતે પણ કુદી પડ્યો. બંને ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર લઈ રહ્યા છે. અન્ય એક યુવકે પણ કુદકો મારીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ તે પણ ઈજાગ્રસ્ત થયો હતો.














Leave a Reply