નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ કોઈપણ સરકારના વડા તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બનીને દેશના રાજકીય ઈતિહાસમાં નવી નોંધ લખી છે. અગાઉ આ રેકોર્ડ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે 8,930 દિવસ સુધી સરકારના વડા તરીકે કાર્ય કર્યું હતું. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન મોદીને કેબિનેટ મંત્રીઓ, જાણીતા વ્યક્તિત્વો અને સામાન્ય જનતાએ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદી હવે સરકારના વડા તરીકે તેમના કાર્યકાળના 25મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમણે 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને 21 મે, 2014 સુધી આ પદ પર રહ્યા હતા. ત્યારબાદ 26 મે, 2014ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને આજે સુધી આ પદ પર કાર્યરત છે. આ રીતે તેઓ સતત 8,931 દિવસથી વધુ સમયથી હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે, જે તેમની લાંબા ગાળાની નેતાગીરી અને સ્થિરતાને દર્શાવે છે.
વડાપ્રધાન મોદીએ પોતાના રાજકીય જીવનમાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ નોંધાવી છે. તેઓ ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેનાર નેતા રહ્યા છે. તેમજ તેમણે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં સતત જીત મેળવી હતી. ત્યારબાદ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ સતત જીત મેળવીને વિશિષ્ટ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેમની આ સફળતા દેશના વિકાસ અને વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે વડાપ્રધાન મોદીનું સમગ્ર જીવન દેશસેવામાં સમર્પિત રહ્યું છે અને મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીનો તેમનો પ્રવાસ પ્રેરણાદાયક છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમની લાંબા સમયથી ચાલી રહેલી અવિરત સેવાઓની પ્રશંસા કરી હતી.














Leave a Reply