અમદાવાદના નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ : 5 લોકો ગંભીર રીતે દાઝ્યા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ચામુંડાનગર વસાહતમાં મંગળવારે (31 માર્ચ) વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રહેણાંક મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના બે મકાનોના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા.
વહેલી સવારે 5:30 વાગ્યે થયો ધડાકો
મળતી માહિતી મુજબ, સવારે અંદાજે 5:30 વાગ્યે ફાયર વિભાગને ગેસ લીકેજ અંગે કોલ મળ્યો હતો. ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ મકાનમાં ફેલાયેલા ગેસને કારણે સિલિન્ડર ફાટી ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લીકેજના કારણે આખા ઘરમાં ગેસ ભરાઈ ગયો હતો અને કોઈ ચિંગારી કે આગ લાગતાં જ મોટો વિસ્ફોટ થયો.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટના સમયે મકાનમાં હાજર 35 વર્ષીય રાજુભાઈ, 45 વર્ષીય હીરાભાઈ, 46 વર્ષીય મણિલાલ, 50 વર્ષીય સોહનભાઈ સહિત પાંચ લોકો આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિકોની મદદથી તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મકાનને ભારે નુકસાન
વિસ્ફોટને કારણે મકાનનો મોટો ભાગ નુકસાન પામ્યો હતો. ઘરનો સામાન અને ગાદલા બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે છત અને દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. ધડાકાની અસરથી આસપાસના મકાનોમાં પણ નુકસાન થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.












Leave a Reply