દેશમાં વિવિધ રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતા જ મોંઘવારીમાં મોટો ઉછાળો નોંધાયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો ભારે વધારો કર્યો છે. આ વધારાને કારણે દિલ્હી સહિત અનેક શહેરોમાં તેની કિંમત રૂ. 3000ને પાર પહોંચી ગઈ છે. જોકે, 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા છે, જે થોડી રાહતરૂપ છે.
નવી કિંમતો મુજબ, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર હવે રૂ. 3071.50નો થયો છે, જે પહેલા 1 એપ્રિલે રૂ. 2078.50 હતો. આ વધારાની સીધી અસર હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવ પર પડશે, જેથી ખાણીપીણી મોંઘી થવાની શક્યતા વધી છે.
આ ઉપરાંત, 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડરના ભાવમાં પણ રૂ. 261નો વધારો થયો છે, જે નાના વ્યવસાયોને અસર કરશે.
ઘરેલું ગેસના હાલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લો વધારો 7 માર્ચ 2026એ થયો હતો. હાલ દિલ્હીમાં રૂ. 913, મુંબઈમાં રૂ. 912.50, ચેન્નઈમાં રૂ. 928.50 અને કોલકાતામાં રૂ. 939 દર છે.
ભાવ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે ગેસ-તેલના પુરવઠામાં ઘટાડો થયો છે. પરિણામે આયાત ખર્ચ વધતાં તેનો બોજ સીધો ગ્રાહકો પર આવ્યો છે.
આ વધારાથી ખાસ કરીને ખાણીપીણીના વ્યવસાય અને સામાન્ય લોકોના ખર્ચ પર વધુ ભાર પડશે.














Leave a Reply