અમદાવાદ શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીના AMCના દાવાઓ વચ્ચે વટવા વિસ્તારમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. બીબી તળાવ રોડ પર 5 મેની મોડી રાત્રે અચાનક રસ્તો ધસી પડતા વિશાળ ભુવો સર્જાયો હતો, જેમાં અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઈક સાથે ખાબકી ગયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
માહિતી અનુસાર, અંકિત યાદવ વટવાના વ્યસ્ત માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જમીન ધસી પડતા તે બાઈક સહિત ભુવામાં ગરકાવ થઈ ગયો હતો. અકસ્માત જોતા સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભુવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી રસ્તો બંધ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે મહેનત બાદ દોરડાની મદદથી યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ બાઈકને પણ બહાર કાઢવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો.
આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે સ્થાનિક લોકોએ 27 એપ્રિલે જ ડેપ્યુટી સિટી એન્જિનિયરને લેખિત રજૂઆત કરી હતી કે આ માર્ગ પર ભુવો પડવાની શક્યતા છે. તેમ છતાં AMCના દક્ષિણ ઝોનના અધિકારીઓએ કોઈ પગલાં લીધા નહોતા. તંત્રની આ બેદરકારીને કારણે એક નાગરિકને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે AMC કોઈ મોટી જાનહાનિ પછી જ જાગશે?














Leave a Reply