કોલકાતા : પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ બાદ સત્તા ગુમાવ્યા પછી મમતા બેનરજીએ પરિણામો જાહેર થયાના બીજા જ દિવસે મોટું રાજકીય વલણ અપનાવતા પરાજય સ્વીકારવાનો તેમજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મમતાએ દાવો કર્યો હતો કે આ પરિણામ જનતાનો સાચો જનાદેશ નહીં પરંતુ એક ગોઠવાયેલું કાવતરું છે. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ, કેન્દ્રીય સુરક્ષા દળો અને ન્યાયતંત્ર પર ભાજપને ફાયદો પહોંચાડવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મમતાએ ચેતવણી આપી હતી કે હવે આ લડત રસ્તા પર લડાશે અને ઈન્ડિયા ગઠબંધનનું તેમને સંપૂર્ણ સમર્થન છે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે આ મુદ્દો હવે લાંબી રાજકીય અને કાયદાકીય લડતમાં ફેરવાઈ શકે છે. ભારતીય રાજકીય ઈતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણીમાં હાર્યા બાદ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, જેના કારણે બંધારણીય ચર્ચાઓ તેજ બની છે.
પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો સોમવારે જાહેર થયા હતા. પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક દેખાવ કરતાં 207 બેઠકો જીતી લીધી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો સુધી સીમિત રહી ગઈ હતી. પરિણામો બાદ મંગળવારે મમતાએ પત્રકાર પરિષદ યોજી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર જ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીઓ સુધી દરેક તંત્ર ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યું હતું.
મમતા બેનરજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હું હારી નથી, તો હું રાજીનામું શા માટે આપું?” તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે અને રાજભવન પણ નહીં જાય. મમતાએ ચૂંટણી પ્રક્રિયા, મતગણતરી અને કેન્દ્રીય દળોની કામગીરી અંગે ગંભીર અનિયમિતતાઓના આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણીમાં તેમની સીધી લડાઈ ભાજપ સામે નહીં પરંતુ ચૂંટણી પંચ સામે હતી. મમતાએ 90થી 95 ટકા સુધી થયેલા મતદાન પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેમને ન્યાયતંત્ર તરફથી પણ ન્યાય મળ્યો નથી. તેમના મતે આખું વહીવટીતંત્ર તેમની વિરુદ્ધ કામ કરી રહ્યું હતું.
મમતાએ સીઆરપીએફના જવાનો પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમના કહેવા મુજબ મતગણતરી દરમિયાન તૃણમૂલના ઉમેદવારો અને એજન્ટોને કેન્દ્રોમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીમાથી સંદેશાઓ આવ્યા બાદ મતગણતરી કેન્દ્રોને “હાઈજેક” કરી લેવામાં આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતાં મમતાએ તેમને સમગ્ર પ્રક્રિયાના “વિલન” ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે અનેક સ્થળોએ મતગણતરીની ગતિ ઈરાદાપૂર્વક ધીમી રાખવામાં આવી હતી અને અંતિમ રાઉન્ડમાં તેમના પક્ષના એજન્ટોને અંદર જવા દેવામાં આવ્યા નહોતા. ઈવીએમને યોગ્ય રીતે સીલ કર્યા વગર જ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લઈ જવાયા હોવાના પણ તેમણે આરોપ લગાવ્યા હતા.
મમતાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, “ભાજપે સમગ્ર સિસ્ટમ પર કબજો જમાવવા માટે લોકતંત્રને નષ્ટ કર્યું છે.” તેમણે દાવો કર્યો કે મહારાષ્ટ્ર, બિહાર અને હરિયાણામાં પણ ભાજપે આવી જ રીતે જીત મેળવી હતી. મમતાના જણાવ્યા મુજબ તેઓ જાતે ઉમેદવાર હોવા છતાં તેમને મતગણતરી કેન્દ્રમાં જવા દેવામાં આવ્યા નહોતા અને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા હતા, જેને તેમણે પોતાનું અપમાન ગણાવ્યું હતું.
મમતાએ વધુમાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ તેમનું સમર્થન કરી રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન સહિતના નેતાઓએ તેમની સાથે વાતચીત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે ભાજપ સામે લોકતાંત્રિક લડત હવે વધુ મજબૂતીથી ચાલુ રહેશે.
ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પર હુમલાઓ થઈ રહ્યા હોવાના આરોપો પણ મમતાએ લગાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ અનેક કાર્યકરોના ઘરો સળગાવવામાં આવ્યા છે, મહિલાઓને ધમકીઓ આપવામાં આવી રહી છે અને પક્ષને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. મમતાએ જાહેરાત કરી કે હવે ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિ બનાવવામાં આવશે અને એકત્રિત કરાયેલા દસ્તાવેજોના આધારે કાયદાકીય લડત લડવામાં આવશે.
અંતમાં મમતાએ પોતાને “સ્ટ્રીટ ફાઈટર” ગણાવતા કહ્યું કે તેઓ આખું જીવન લોકો માટે લડ્યા છે અને હવે ફરી એકવાર રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરશે. તેમણે કહ્યું કે 15 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપતાં તેમણે ક્યારેય પગાર કે પેન્શન લીધું નથી. “હવે હું આઝાદ છું અને લોકો માટે જે કરવું છે તે કરીશ,” એમ કહી મમતાએ પોતાની આગામી રાજકીય લડતના સંકેત આપ્યા હતા.













Leave a Reply