અમદાવાદના નારણપુરા ક્રોસ રોડ પર આજે (7 મે) ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. AMTS બસ, કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ વ્યસ્ત નારણપુરા ચાર રસ્તા પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પૂરઝડપે આવી રહેલી AMTS બસ કાર અને બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસચાલકની બેદરકારી અને ઝડપભેર ડ્રાઇવિંગના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે, પોલીસે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે.
અકસ્માતને કારણે રસ્તાની વચ્ચે વાહનો ફસાઈ જતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ અકસ્માતમાં સંડોવાયેલા વાહનચાલકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.













Leave a Reply