તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ જોસેફ વિજયે પોતાના પ્રથમ મોટા વહીવટી નિર્ણય હેઠળ રાજ્યમાં કાર્યરત 717 સરકારી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણય મુજબ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડથી 500 મીટરની અંદર આવેલી તમામ દુકાનો આગામી બે અઠવાડિયામાં બંધ કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં કુલ 4,765 સરકારી દારૂની દુકાનો કાર્યરત છે, જેમાંથી 276 ધાર્મિક સ્થળોની નજીક, 186 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ અને 255 બસ સ્ટેન્ડ પાસે આવેલી હોવાનું જાણવા મળ્યું છે. વિજય સરકારના આ પગલાને સામાજિક સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.
દારૂબંધીના આ નિર્ણય ઉપરાંત મુખ્યમંત્રી વિજયે અનેક લોકકલ્યાણકારી યોજનાઓની પણ જાહેરાત કરી છે. તેમણે રાજ્યના ઘરેલુ વપરાશકારોને 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી છે. સાથે જ મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ સુરક્ષા દળની રચના અને દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી યુનિટ શરૂ કરવાની જાહેરાત પણ કરી છે, જેથી રાજ્યમાં વધી રહેલા નશાના પ્રભાવને નિયંત્રિત કરી શકાય.
પોતાના પ્રથમ સંબોધનમાં વિજયે અગાઉની સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તમિલનાડુ હાલ 10 લાખ કરોડ રૂપિયાથી વધુના દેવાના બોજા હેઠળ છે અને રાજ્યની આર્થિક સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ મુદ્દે તેમણે વર્ષ 2021થી 2026 સુધીની રાજ્યની આર્થિક સ્થિતિ અંગેનું વિગતવાર શ્વેતપત્ર બહાર પાડવાની જાહેરાત કરી છે. તેમણે કાયદો અને વ્યવસ્થાને વધુ કડક બનાવવા તેમજ મહિલાઓની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 51 વર્ષીય અભિનેતા અને રાજનેતા જોસેફ વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK)એ તાજેતરની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગના સમર્થનથી તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમ વખત ગઠબંધન સરકાર રચાઈ છે. હાલ વિધાનસભામાં TVK પાસે 107 બેઠકો છે અને કુલ 120 ધારાસભ્યોના સમર્થન સાથે વિજય ટૂંક સમયમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.














Leave a Reply