આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક જીત બાદ આજે હિમંતા બિસ્વા સરમાએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામના ઇતિહાસમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી પદ સંભાળનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બની ગયા છે. ગુવાહાટીમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આસામમાં NDA સરકારનો આ સતત ત્રીજો કાર્યકાળ છે. અગાઉ 2016માં સર્બાનંદ સોનોવાલ અને 2021માં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી હતી.
દિગ્ગજોની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ
હિમંતા બિસ્વા સરમાના શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે દેશભરના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત અનેક નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સરમાની સાથે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરન બોરો અને અજંતા નિયોગ સહિતના નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ પણ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા.
વિદ્યાર્થી નેતાથી મુખ્યમંત્રી સુધીનો સફરનામો
હિમંતા બિસ્વા સરમાનો રાજકીય પ્રવાસ સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી કહાની છે. ગુવાહાટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે રાજનીતિ વિજ્ઞાનમાં MA અને ત્યારબાદ ગુવાહાટી યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી હતી. તેમણે થોડા સમય માટે હાઇકોર્ટમાં વકીલાત પણ કરી હતી. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કોટન કોલેજના વિદ્યાર્થી નેતા તરીકે થઈ હતી, જ્યાં તેઓ છાત્ર સંઘના મહાસચિવ બન્યા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં જોડાઈ તેઓ 2001માં જાલુકબારી બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી સતત જીત મેળવી રહ્યા છે.
પૂર્વોત્તરમાં ભાજપના મજબૂત વ્યૂહકાર
વર્ષ 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ હિમંતા બિસ્વા સરમાએ પૂર્વોત્તર ભારતમાં ભાજપને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)ના સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે વિવિધ પ્રાદેશિક પક્ષોને ભાજપ સાથે જોડીને પૂર્વોત્તરમાં ભાજપનો પ્રભાવ વધારવામાં સફળતા મેળવી હતી. રાજકીય વિશ્લેષકોના મતે, પૂર્વોત્તરમાં ભાજપના વધતા પ્રભાવ પાછળ હિમંતા બિસ્વા સરમાની વ્યૂહરચના અને સંગઠન ક્ષમતા મુખ્ય કારણ રહી છે.














Leave a Reply