મહારાષ્ટ્રમાંથી એક મોટી દુર્ઘટનાની ચર્ચા સામે આવી રહી છે. અહેવાલો મુજબ બારામતી વિસ્તારમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના વિમાન રન-વે પર ઉતરતી વખતે બની હોવાનું કહેવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ વિમાનમાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ, એક ક્રૂ મેમ્બર અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થતો હતો. ડીજીસીએના હવાલાથી કેટલાક અહેવાલોમાં પાંચ લોકોના મોત થયાની વાત પણ કહેવામાં આવી રહી છે, જોકે સત્તાવાર સ્તરે તેની સંપૂર્ણ પુષ્ટિ હજુ સામે આવી નથી.
વિમાન ક્રેશ થવાનું સંભવિત કારણ શું?
પ્રાથમિક માહિતી અનુસાર ધુમ્મસના કારણે પાઇલટને એરસ્ટ્રીપ સ્પષ્ટ રીતે નજરે ન પડતાં વિમાન યોગ્ય રીતે લેન્ડ ન થઈ શક્યું હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવે છે.
ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં વિમાન આગની ચપેટમાં આવ્યું હોવાનો દ્રશ્ય જોવા મળે છે અને ભારે ધુમાડો ફેલાયેલો હોવાનું જણાય છે. અહેવાલો મુજબ વિમાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા?
ચર્ચા છે કે અજિત પવાર બારામતીમાં એક કાર્યક્રમ અથવા ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા. એનસીપી નેતા માજિદ મેમણના જણાવ્યા અનુસાર અજિત પવાર આજે બારામતી આવવાના હતા. સવારે આશરે 8:45 વાગ્યાની આસપાસ લેન્ડિંગ સમયે અકસ્માત થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજકીય વર્તુળોમાં પ્રતિક્રિયા
આ ઘટનાની ચર્ચા વચ્ચે રાજકીય વર્તુળોમાં ચિંતા અને શોકની લાગણી જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરી હતી. સાથે જ સુપ્રિયા સુલે બારામતી તરફ રવાના થયા હોવાની પણ માહિતી સામે આવી છે. વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો હોવાનું કહેવામાં આવે છે.















Leave a Reply