Yes TV

News Website

UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરુ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી

UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરુ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી
Views 19

UGCના નવા નિયમોને લઈને સવર્ણ સમાજમાં અસંતોષ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર જ વિરોધ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના હેડક્વાર્ટર બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પણ વિરોધ કાર્યક્રમો યોજાયા હતા.

ઉલ્લેખનીય છે કે દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ નિયમોને લઈને સવર્ણ સમાજ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે, જેના કારણે તેનો દુરુપયોગ થવાની શક્યતા વધી શકે છે.

UGCના નવા આદેશ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે તેમજ સંસ્થાઓમાં ઈક્વિટી સેન્ટરોની રચના કરવામાં આવશે.

વિરોધ કરનારાઓની મુખ્ય માંગ અને વાંધાઓ

વિરોધ કરનારાઓનું કહેવું છે કે નવા નિયમોમાં જ્ઞાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા માત્ર SC, ST અને OBC વર્ગ સુધી જ સીમિત રાખવામાં આવી છે. જો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અથવા કર્મચારીઓ સાથે ભેદભાવ થાય, તો તેમને કાયદાકીય રક્ષણ મળતું નથી.

આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ ખોટી કે જાણીને બનાવટી ફરિયાદ કરે, તો તેની સામે દંડ અથવા સજાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. પરિણામે વ્યક્તિગત અદાવતના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાન બનાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા નિયમો મુજબ કોલેજોમાં સમાનતા સમિતિની રચના કરવામાં આવશે, જેમાં SC, ST, OBC અને મહિલા પ્રતિનિધિત્વ અનિવાર્ય રહેશે. જોકે, જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ ન હોવા પર પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

ભાજપમાં પણ આંતરિક અસંતોષ

આ સમગ્ર મુદ્દે ભાજપમાં જ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ વિના બનેલી સમિતિઓ ન્યાય કેવી રીતે કરી શકે? દરેક વર્ગની ભાગીદારી અને તમામ નાગરિકોના સન્માન તથા સુરક્ષા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.

ભાજપ નેતા અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે પણ આ મુદ્દે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, આ પ્રકારના બેવડા વલણની ગંભીર સમીક્ષા થવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર તરીકે દર્શાવી બદલો લેવા માટે નિશાન બનાવવામાં આવે છે.

આ મામલે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આવા કાયદાઓથી દેશમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર દેશને જ્ઞાતિવાદ અને ધર્મવાદમાં ફસાવી રાખવા માંગે છે, જે સમાજમાં આંતરિક દુશ્મનાવટ વધારશે અને દેશહિતમાં નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *