પશ્ચિમ બંગાળના નાઝીરાબાદ વિસ્તારમાં આવેલી એક મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગે દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની તીવ્રતા એટલી હતી કે અનેક મૃતદેહો સંપૂર્ણ રીતે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે.
ડોક્ટરો અને ફોરેન્સિક ટીમ પણ ચોંકી ઉઠી
સોમવાર વહેલી સવારે લાગેલી આ આગમાં બે મોટા ગોડાઉન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, મળેલા માનવ અવશેષો અત્યંત બળી ગયેલા છે. અત્યાર સુધીમાં 27 લોકો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફોરેન્સિક ટીમે ખોપરી અને હાડકાં સહિત 16 નમૂનાઓ એકત્ર કર્યા છે, જેનું DNA પરીક્ષણ પરિવારજનોના નમૂનાઓ સાથે કરી ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજકારણ ગરમાયું, સરકાર પર આક્ષેપો
આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાન વધી ગયું છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ નરેન્દ્રપુરમાં રેલી યોજી મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા. તેમનો દાવો છે કે ઘટનાના પાંચ દિવસ બાદ પણ મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચી નથી. ઉપરાંત તેમણે જણાવ્યું કે ગોડાઉન ગેરકાયદેસર રીતે જળાશયો પૂરીને બનાવાયા હતા અને ત્યાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવતું નહોતું.
વડાપ્રધાન તરફથી સંવેદના અને સહાય
વડાપ્રધાન કાર્યાલયે આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ PMNRFમાંથી મૃતકોના વારસદારોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 ની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી તેજ, વધુ ધરપકડો
કેસની તપાસ દરમિયાન બંગાળ પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે મોમો ફેક્ટરીના મેનેજર મનોરંજન શીટ અને ડેપ્યુટી મેનેજર રાજા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલાં ગોડાઉનના માલિક અને અન્ય એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.















Leave a Reply