નવી દિલ્હી: સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન બુધવારે ભારે રાજકીય ઘમાસાણ સર્જાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં સંબોધન કરવા જવાના હતા, પરંતુ તે પહેલાં જ વિપક્ષના સાંસદોએ અમેરિકા અને ચીન સાથેની ટ્રેડ ડીલના મુદ્દે ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ દરમિયાન વિપક્ષની મહિલા સાંસદો વેલ સુધી પહોંચી ગઈ હતી અને બેનરો સાથે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી અવરોધાઈ હતી.
પરિસ્થિતિ વધુ બગડતા અંતે વડાપ્રધાનનું લોકસભા સંબોધન મુલતવી રાખવામાં આવ્યું. ભાજપ તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે કેટલાક મહિલા સાંસદોએ વડાપ્રધાનની ખુરશી આસપાસ ભીડ કરી હતી, જેના કારણે સુરક્ષાના કારણોસર તેઓ ગૃહમાં આવી શક્યા નહીં. બીજી તરફ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન સંસદમાં આવવાથી બચ્યા કારણ કે તેઓ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર નહોતા.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાહુલ ગાંધી એક પુસ્તક સાથે સંસદ પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ તે પુસ્તક દર્શાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે આ પુસ્તક પૂર્વ સેનાધ્યક્ષ જનરલ એમ.એમ. નરવણે દ્વારા લખાયું છે અને તેનું વિદેશમાં પ્રકાશન થયું છે, પરંતુ ભારતમાં તેને પ્રકાશિત થવા દેવામાં આવ્યું નથી. રાહુલે પુસ્તકના કેટલાક અંશોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ડોકલામ વિવાદ દરમિયાન ચીનની સૈનિક ગતિવિધિ સામે સરકાર સ્પષ્ટ નિર્ણય લઈ શકી નહોતી અને વડાપ્રધાન પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યા ન હતા.
રાહુલ ગાંધીના આ દાવાઓને અગાઉ ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવું કોઈ પુસ્તક અસ્તિત્વમાં નથી. આ દાવાને પડકાર આપવા માટે જ રાહુલ ગાંધી પુસ્તક લઈને સંસદ પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે.
હંગામા કારણે લોકસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. બપોરે કાર્યવાહી ફરી શરૂ થતાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા એવા અનેક પુસ્તકોનો ઉલ્લેખ શરૂ કર્યો હતો જેમાં પૂર્વ વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની ટીકા કરવામાં આવી છે. તેમનો ઉલ્લેખ શરૂ થતાં જ વિપક્ષ ફરી ઉગ્ર વિરોધ પર ઉતરી આવ્યો અને અંતે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી.
આ દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે વિપક્ષની મહિલા સાંસદોએ વડાપ્રધાનની ખુરશી ઘેરી લીધી હતી અને હુમલાની ભાવનાથી આગળ વધી હતી, જે સંસદીય પરંપરાના વિરુદ્ધ છે.
રાહુલ-બિટ્ટુ વચ્ચે તીખી બોલાચાલી
બુધવારે સંસદ પરિસરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને ભાજપના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી રણવીત સિંઘ બિટ્ટુ વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી. રાહુલે બિટ્ટુને ગદ્દાર કહી સંબોધ્યા હોવાનો આરોપ છે, જેના જવાબમાં બિટ્ટુએ રાહુલ ગાંધી પર દેશવિરોધી હોવાનો પ્રહાર કર્યો હતો.
આ ઘટનાને પગલે ભાજપના અનેક શીખ નેતાઓએ કડક પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તમામ મર્યાદાઓ લાંઘી છે. જ્યારે દિલ્હી સરકારના મંત્રી મંજિંદર સિંઘ સિરસાએ કોંગ્રેસ પર શીખ વિરોધી માનસિકતા ધરાવવાનો આરોપ લગાવ્યો અને 1984ના રમખાણોની યાદ અપાવી હતી.
આ સમગ્ર મામલાએ સંસદની અંદર અને બહાર રાજકીય તણાવ વધુ ઊંડો કર્યો હોવાનું જોવા મળ્યું.














Leave a Reply