નવી દિલ્હી : યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે થયેલા વેપાર કરારો પછી વિશ્વમાં ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિશ્વ નવી વૈશ્વિક વ્યવસ્થાની તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં ભારત અનેક દેશો માટે વિશ્વસનીય સહયોગી તરીકે ઉભર્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતના લક્ષ્યો અંગે ચર્ચા કરી હતી. લોકસભામાં વિપક્ષના હંગામાના કારણે તેઓ ભાષણ આપી શક્યા નહોતા, જેના કારણે આભાર પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થયો હતો. વર્ષ 2004 પછી પહેલી વાર આવું બન્યું હોવાનું પણ તેમણે નોંધ્યું.
રાજ્યસભામાં બોલતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ પર આક્ષેપ કર્યા. વિપક્ષ દ્વારા આપવામાં આવેલા સૂત્રોચ્ચારો અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું કે સરકાર દેશના વિકાસ માટે કામ કરી રહી છે, જ્યારે વિરોધ પક્ષ રાજકીય આક્ષેપોમાં વ્યસ્ત છે. તેમણે કલમ 370 દૂર કરવાથી લઈને પૂર્વોત્તર પ્રદેશમાં વિકાસ, આતંકવાદ સામે કાર્યવાહી અને માઓવાદી પ્રવૃત્તિઓ સામે પગલાં જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.
તેમણે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને રાહુલ ગાંધી વચ્ચે થયેલી બોલાચાલીનો પણ ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસ પર શીખ સમુદાયનું અપમાન કરવાનો આરોપ મૂક્યો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં દેશના વિકાસ અને વધતી ક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને બીજા વિશ્વયુદ્ધ પછી ઉભી થયેલી વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે. આ બદલાવમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બની રહી છે અને દેશને હવે ઝડપી ગતિએ વિકાસ તરફ આગળ વધવું જોઈએ.
તેમણે ઉમેર્યું કે ભારત અગાઉ ફ્રેજાઈલ-5 દેશોની શ્રેણીમાં ગણાતું હતું, પરંતુ હવે વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ઊંચો વિકાસ દર અને નિયંત્રિત મોંઘવારી દેશની આર્થિક સ્થિતિ મજબૂત હોવાનો સંકેત આપે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા સમયમાં ભારતે અનેક મોટા દેશો સાથે વેપાર કરારો કર્યા છે, જેમાં યુરોપિયન યુનિયન સાથે 27 દેશોને આવરી લેતો કરાર મહત્વપૂર્ણ છે. તેમણે લોકસભામાં વિપક્ષના વિરોધને બંધારણ અને રાષ્ટ્રપતિ પદનું અપમાન ગણાવ્યું હતું. ઉપરાંત, આસામ અને ભૂપેન હજારિકા સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરીને પણ તેમણે વિપક્ષની ટીકા કરી હતી.














Leave a Reply