સંસદના બજેટ સત્ર દરમિયાન સતત અવ્યવસ્થા જોવા મળી રહી છે. આજે સવારે 11 વાગ્યે સત્ર શરૂ થતાં જ વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો, જેના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી માટે સ્થગિત કરવી પડી.
આજે ફરી એક વખત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂર્વ સેના પ્રમુખ નરવણે સંબંધિત મુદ્દા પર બોલવા ઈચ્છતા હતા, પરંતુ તેમને માત્ર બજેટ પર જ ચર્ચાની મંજૂરી આપવામાં આવતાં વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો. હંગામા બાદ રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને વિપક્ષની આપત્તિઓ રજૂ કરી હતી.
સ્પીકર સમક્ષ રાહુલ ગાંધીએ રજૂ કરેલા મુદ્દા
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી ઇન્ડિ ગઠબંધનના અન્ય નેતાઓ સાથે સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. આ બેઠક દરમિયાન તેમણે ત્રણ મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા.
પ્રથમ, રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષને બોલવાની તક આપવામાં આવી નથી તેવી ફરિયાદ તેમણે કરી.
બીજું, સત્તાપક્ષ સંસદમાં પુસ્તકોનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર આક્ષેપ કરે છે, પરંતુ વિપક્ષ એ જ રીતથી પોતાનો પક્ષ મૂકે ત્યારે તેને મંજૂરી કેમ નથી મળતી તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો.
ત્રીજું, આઠ સાંસદોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તે બાબતે પણ તેમણે વિરોધ નોંધાવ્યો.
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંસદમાં અપ્રિય ઘટના થવાની વાતને રાહુલ ગાંધીએ ખોટી ગણાવી હતી અને સવાલ કર્યો હતો કે જો આવી કોઈ ખતરની માહિતી હતી, તો ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી.
‘ફરિયાદ કેમ નથી કરાઈ?’
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, લોકસભાના વિપક્ષી સાંસદો વડાપ્રધાનને ધમકી આપતા હતા એવી વાત ફેલાવવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે ખોટી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન સંસદમાં આવવાથી બચી રહ્યા છે કારણ કે તેઓ સત્યનો સામનો કરવા માંગતા નથી.
તેમના કહેવા મુજબ, વડાપ્રધાન પર હુમલો થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. જો ખરેખર એવી કોઈ આશંકા હતી તો તરત જ FIR દાખલ કરવી જોઈએ હતી અને જવાબદાર લોકોની ધરપકડ થવી જોઈએ હતી. પરંતુ એવું કેમ કરવામાં આવ્યું નથી તે સ્પષ્ટ કરવું જોઈએ.
લોકસભા સ્પીકરનું નિવેદન
ઉલ્લેખનીય છે કે 5 ફેબ્રુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, તેમની ચેમ્બરમાં કેટલાક સાંસદોનું વર્તન અત્યંત દુઃખદ અને અસ્વીકાર્ય હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવા આવવાના હતા, પરંતુ તે પહેલાં તેમને માહિતી મળી હતી કે કોંગ્રેસના કેટલાક સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે વડાપ્રધાનને સદનમાં ન આવવા વિનંતી કરી હતી, જે વડાપ્રધાને સ્વીકારી હતી. સ્પીકરનું કહેવું હતું કે જો વડાપ્રધાન લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અણછાજતી ઘટના સર્જાઈ શકી હોત.















Leave a Reply