ભારત સરકારે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના ગાયન અને સન્માન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સરકારી અને સત્તાવાર કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ જેટલું જ માન આપવામાં આવશે અને તેના ગાયનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે.
નવા નિયમો શું કહે છે?
સરકારના નિર્દેશો અનુસાર, જો કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રગાન અને વંદે માતરમ્ બંને ગવાતા હોય, તો કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ્’થી કરાશે. સાથે જ, જેમ રાષ્ટ્રગાન દરમિયાન સૌએ સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું ફરજિયાત હોય છે, તેવી જ રીત હવે ‘વંદે માતરમ્’ વખતે પણ ઊભા રહેવું અનિવાર્ય બનાવાયું છે.
આ નિયમો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના પ્રસંગે, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના આગમન સમયે તેમજ તેમના ભાષણ પહેલાં અને પછી લાગુ પડશે. દરેક સત્તાવાર કાર્યક્રમમાં આ નક્કી કરાયેલ પદ્ધતિનું પાલન કરવું ફરજિયાત રહેશે.
6 છંદોનું પૂર્ણ ગાયન
અત્યાર સુધી સામાન્ય રીતે ‘વંદે માતરમ્’ના થોડાક અંશો જ ગવાતા હતા. હવે નવી માર્ગદર્શિકા મુજબ, ગીતના તમામ 6 છંદો ગાવા પડશે. આ પૂર્ણ ગાયન માટે અંદાજે 3 મિનિટ 10 સેકન્ડનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પગલું ગીતના ઐતિહાસિક મહત્વ અને તેની પૂર્ણ આવૃત્તિને યોગ્ય માન આપવા માટે લેવામાં આવ્યું છે.
નિર્ણયનો હેતુ
સરકારના મતે ‘વંદે માતરમ્’ ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને તેને રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન મળવું જોઈએ. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ હવે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી તમામ જાહેર કાર્યક્રમોમાં એકરૂપતા અને શિસ્ત જળવાઈ રહે.














Leave a Reply