Yes TV

News Website

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી
Views 11

જેરુસલેમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના બે દિવસીય પ્રવાસ દરમિયાન બુધવારે ઈઝરાયેલની સંસદ નેસેટને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો કે 17 સપ્ટેમ્બર 1950ના રોજ ભારતે ઈઝરાયેલને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી અને એ જ દિવસે તેમનો જન્મ થયો હતો. તેમણે જણાવ્યું કે ભારત હંમેશાં ઈઝરાયેલ સાથે મજબૂતીથી ઊભું રહ્યું છે અને મુશ્કેલ સમયમાં પણ મિત્રતાનો સંબંધ નિભાવ્યો છે. હમાસના આતંકી હુમલાની નિંદા કરતાં તેમણે કહ્યું કે નિર્દોષ નાગરિકોની હત્યા ક્યારેય સ્વીકાર્ય નથી. તેઓ ઈઝરાયેલની સંસદને સંબોધન કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા અને સંસદમાં “મોદી-મોદી” તથા “જય હિંદ”ના નારા ગૂંજી ઉઠ્યા હતા.

ઈઝરાયેલના સાંસદોને સંબોધતા તેમણે જણાવ્યું કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો માત્ર વેપાર અને રણનીતિ પૂરતા સીમિત નથી, પરંતુ સુરક્ષા ક્ષેત્રે પણ ગાઢ સહકાર છે. નવેમ્બર 2025માં સંરક્ષણ સહયોગ માટે કરાર થયો હતો. તેમણે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે બંને દેશોની મિત્રતા અત્યંત મહત્વપૂર્ણ છે. 2006માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાની પ્રથમ ઈઝરાયેલ મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે બંને દેશોના સંબંધો સતત મજબૂત બન્યા હોવાનું જણાવ્યું.

આતંકવાદ મુદ્દે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ કારણસર સામાન્ય લોકોની હત્યા ન્યાયસંગત બની શકતી નથી. આતંકવાદને કોઈ રીતે સમર્થન આપી શકાય નહીં અને ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. તેમણે શાંતિ અને સંવાદ દ્વારા ઉકેલ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વિશ્વ યુદ્ધના પ્રસંગોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે આ ભૂમિ સાથે ભારતનો સંબંધ બલિદાન અને શૌર્ય સાથે જોડાયેલો છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 4,000થી વધુ ભારતીય સૈનિકોએ પ્રાણ આહુતિ આપી હતી. જોધપુર લાન્સર્સના મેજર ઠાકુર દલપતસિંહના શૌર્યને પણ તેમણે યાદ કર્યા હતા. આ અવસર પર તેમને સંસદના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા અને તમામ સાંસદોએ ઊભા રહી તેમનું સ્વાગત કર્યું.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે મોદી માત્ર મિત્ર નહીં પરંતુ ભાઈ સમાન છે. તેમણે કહ્યું કે વિશ્વમાં યહુદીઓ વિરુદ્ધ વિરોધની પરિસ્થિતિ વચ્ચે ભારત હંમેશાં ઈઝરાયેલની બાજુએ ઊભું રહ્યું છે. ભારત એવો દેશ છે જ્યાં યહુદીઓએ ક્યારેય અત્યાચાર નહીં પરંતુ સ્વાગત અનુભવ્યું છે.

તેલ અવીવમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ટેક્નોલોજી, જળ સંચાલન, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા મુદ્દે ચર્ચા થઈ હતી. મધ્ય-પૂર્વની પરિસ્થિતિ અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

પ્રવાસના ભાગરૂપે વડાપ્રધાન મોદી યાદ વાશેમની મુલાકાત લેશે અને ત્યારબાદ બંને દેશોની પ્રતિનિધિમંડળીઓ વચ્ચે બેઠક યોજાશે. આ દરમિયાન આર્થિક, સુરક્ષા અને રાજદ્વારી ક્ષેત્રે મહત્વપૂર્ણ કરારો થવાની શક્યતા છે.

વડાપ્રધાન મોદી તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની પત્ની સારાએ એરપોર્ટ પર તેમનું આવકાર કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *