રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ગુરુવારે (7 મે) રાજ્યના છ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે, જ્યારે આગામી બે દિવસ બાદ ફરી હીટવેવનો દોર શરૂ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
બુધવારે (6 મે) સૌરાષ્ટ્રના ગિર પંથક સહિત અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તેમજ ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. રાજ્યના આઠ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. રાજકોટ 42.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 7 મેના રોજ રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. પરિણામે 9થી 12 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હાલમાં રાજ્યમાં સર્જાયેલા બેવડાં વાતાવરણના કારણે રોગચાળાની શક્યતાઓ પણ વધી રહી છે. ગરમી અને વરસાદ વચ્ચેના સતત બદલાતા માહોલને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.













Leave a Reply